ન્યૂઝીલેન્ડ કોરોના-મુક્ત થયું; આખરી દર્દી પણ સાજો થઈ ગયો

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર એવું બન્યું છે કે દેશમાં કોરોના વાયરસનો એકપણ એક્ટિવ કેસ નથી. દેશનું કહેવું છે કે, હવે તેને ત્યાં કોરોના વાયરસના કેસોની સંખ્યા શૂન્ય થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂઝીલેન્ડે કહ્યું છે કે, તેમના ત્યાં કોરોના વાયરસનો આખરી દર્દી પણ રિકવર થઈ ગયો છે. હવે ન્યૂઝીલેન્ડ વિશ્વના એ દેશોની હરોળમાં આવી ગયું છે કે, જેમણે કોરોના વાયરસ પર સફળતા પ્રાપ્ત કરી છે. જો કે, એવા દેશોની સંખ્યા એકદમ ઓછી છે કે જે નાના દ્વીપસમૂહ છે. વડાપ્રધાન જેસિંડા આર્ડર્ન દ્વારા વ્યવસાયો પર તમામ પ્રતિબંધોને દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ એ દેશોમાં શામિલ થયો છે કે જ્યાં તેમણે વાયરસના પ્રભાવને ઓછો કરવાની જગ્યાએ સંપૂર્ણઉન્મૂલન રણનીતિ અપનાવી છે.

ન્યૂઝીલેન્ડમાં વિશ્વનું સૌથી કડક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આમાં તમામ લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને માત્ર જરુરી સેવાઓને જ સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આના કારણે ગંભીર મંદીનું પણ સંકટ સર્જાયું હતું. ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં 28 દિવસ બાદ કોઈ નવો કેસ સામે આવ્યો નથી. છેલ્લા દર્દીને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે અને તે પણ 15 જૂન સુધીમાં પૂરો રિકવર થઈ જશે. 14 મેના રોજ સમાપ્ત થયેલા સાત સપ્તાહના લોકડાઉન બાદ કેબિનેટ નિર્ણય લેશે કે દેશના સતર્કતા સ્તરને 1 થી ઓછો કરવો કે નહીં? આનાથી અંતિમ થોડા પ્રતિબંધો પણ દૂર થઈ શકે છે.