દેશોને WHOની ચેતવણીઃ કોરોના મહામારીથી સ્થિતિ બગડી શકે છે

જિનેવાઃ કોરોના વાયરસ કમજોર પડવાના સમાચારો  વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટ કર્યું છે કે, વિશ્વભરમાં સ્થિતિ બગડી રહી છે અને દેશોએ હજી સતર્ક રહેવાની જરુર છે. WHOએ કહ્યું કે, અમેરિકી મહાદ્વિપોમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા બાદ તેણે એક દિવસમાં અત્યારસુધીના સૌથી વધારે કેસો નોંધ્યા છે. આનાથી ખ્યાલ આવે છે કે, સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે.WHOએ કોરોના કાળમાં અમેરિકા સહિત કેટલાય દેશોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરતા પ્રદર્શનકારીઓને સાવધાની રાખવાનો આગ્રહ કર્યો છે. વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સમાં WHO પ્રમુખ ટેડ્રોસ એડહોમ ગેબ્રિસસે કહ્યું કે, ભલે યૂરોપમાં સ્થિતિ સુધરી  છે પરંતુ વિશ્વમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. છેલ્લા 10 દિવસના રેકોર્ડ પર નજર નાંખીએ તો, 9મા દિવસે 100000 થી વધારે કેસો નોંધાયા છે. ગઈકાલે સંક્રમણના 136000 થી વધારે કેસો સામે આવ્યા હતા. આા આંકડો એક દિવસમાં નોંધાનારા કેસોમાં સૌથી વધારે છે.

ટેડ્રોસે કહ્યું કે, આમાં 75 ટકા જેટલા કેસો 10 દેશોમાંથી આવ્યા છે. આમાં મોટાભાગે દક્ષિણ અમેરિકા અને દક્ષિણ એશિયાઈ દેશોનો સમાવેશ થાય છે. જે દેશ સ્થિતિ સુધરવાનો દાવો કરી રહ્યા છે તેમને ચેતવણી આવતા WHO પ્રમુખે કહ્યું કે, આત્મ સંતોષ સૌથી મોટું સંકટ છે અને દુનિયાના મોટાભાગના લોકો હજી જોખમમાં છે. તેમણે આગળ કહ્યું કે, મહામારીને 6 મહિનાથી વધારે સમય પસાર થયો છે. અને હવે જે સ્થિતિ છે તેને જોતા કોઈપણ દેશ માટે આ સમય પેડલ પરથી પગ હટાવવા જેવો નથી.