કોરોનાની પહેલી ચેતવણી ચીને નહીં, અમે આપીઃ WHO

જીનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ સંકટના શરુઆતી ચરણને લઈને જાણકારીને અપડેટ કરી છે. WHO એ કહ્યું છે કે, વુહાનમાં નિમોનિયાના કેસોને લઈને ચેતવણી ચીન દ્વારા નહી પરંતુ ચીનમાં સ્થિત WHO ના કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. WHO એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને પણ ફગાવ્યા છે. ટ્રમ્પે WHO પર મહામારી રોકવા માટે જરુરી જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યાનો અને ચીન પ્રત્યે નરમ વલણ રાખ્યાનો આરોપ લગાવ્યો હતો.

મહામારીને લઈને WHO ના શરુઆતી પગલાઓની ટીકા થયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ટાઈમલાઈન 9 એપ્રિલના રોજ જાહેર કરી હતી. આ ક્રોનોલોજીમાં WHO એ માત્ર એટલું જ કહ્યું હતું કે, હુબેઈ પ્રાંતના વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમીશને 31 ડિસેમ્બરના રોજ નિમોનિયાના મામલાઓની જાણકારી આપી હતી. જો કે, એ સ્પષ્ટ નહોતું કરવામાં આવ્યું કે આ સૂચના ચીની અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી કે પછી કોઈ અન્ય સ્ત્રોત પાસેથી મળી હતી.

જો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ સપ્તાહે જાહેર કરવામાં આવેલી નવી ક્રોનોલોજીમાં ઘટનાઓ મામલે વધારે જાણકારી આપવામાં આવી છે. આનાથી સંકેત મળે છે કે, તે ચીનમાં સ્થિત WHO નું કાર્યાલય હતું કે જેણે 31 ડિસેમ્બરના રોજ વાયરલ નિમોનિયાના મામલાઓની જાણકારી આપી હતી. નિમોનિયાના મુદ્દે વુહાન હેલ્થ કમીશનની વેબસાઈટ પર મીડિયા માટે જાહેરાત થયા બાદ આ કરવામાં આવ્યું હતું.

તે જ દિવસે, WHO ની મહામારી સૂચના સેવાએ અમેરિકાની આંતરાષ્ટ્રી મહામારી દેખરેખ નેટવર્ક પ્રોમેડના એક રિપોર્ટની નોંધ લીધી હતી કે જેમાં વુહાનમાં અજ્ઞાત કારણોથી નિમોનિયાના કેસોની સૂચના આપવામાં આવી હતી.

બાદમાં WHO દ્વારા ચીન ઓથોરિટી પાસેથી બે વાર આ મામલે જાણકારી માંગવામાં આવી હતી જેની જાણકારી 3 જાન્યુઆરીએ આપવામાં આવી હતી. WHO ના હેલ્થ ઈમરજન્સી કાર્યક્રમના ડિરેક્ટર મિશેલ રિયાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોઈપણ દેશની પાસે કોઈપણ મામલાની અધિકારીક રીતે પુષ્ટી કરવા અને તેની પ્રકૃતિ અને કારણો મામલે એજન્સીને વધારે જાણકારી આપવા માટે 24-48 કલાક હોય છે.

રેયાને કહ્યું કે, એજન્સી દ્વારા રિપોર્ટને સ્થાપિત કરવાનું જેવું કહેવામાં આવ્યું કે તરત જ ચીનના અધિકારીઓએ તુરંત જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો સંપર્ક કર્યો હતો.