કોરોનાનો કેરઃ બીજિંગમાં એપાર્ટમેન્ટ, શોપિંગ મોલ સીલ

બીજિંગઃ ચીનમાં ફરી એક વાર કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવા માટે બીજિંગમાં શુક્રવારે સિનેમા હોલ, જિમ અને શોપિંગ મોલને બંધ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વહીવટી તંત્રએ કેટલાંક એપાર્ટમેન્ટને પણ સીલ કરી દીધાં હતાં, જેથી એમાંથી લોકો બહાર ના નીકળી શકે. આ ઉપરાંત શહેરની બધી સ્કૂલો એક દિવસ પહેલાં બંધ કરવાની જાહેરાત થઈ ચૂકી છે.

બીજિંગમાં આરોગ્ય અધિકારીઓ 2.1 કરોડની વસતિને ઝડપથી કોરોના ટેસ્ટ કરવામાં લાગ્યા છે. જાપાની ન્યૂઝ એજન્સી નિક્કેઈ એશિયા મુજબ સૌથી વધુ કેસો બીજિંગના ચાઓયાંગ જિલ્લામાં નોંધાયા છે. ચીનનું પાટનગર 16 જિલ્લામાં વહેંચાયેલું છે. બીજિંગમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસો નોંધાયા છે.

જોકે હાલ ચીનના ટોચનાં 100 શહેરોમાંથી કમસે કમ 44 શહેરોમાં કોઈ ને કોઈ પ્રકારે લોકડાઉન લાગેલું છે. આ શહેરોનું ચીનની GDPમાં આશરે એક તૃતીયાંશ યોગદાન છે.

જોકે ચીનના શાંઘાઈમાં લોકોને લોકડાઉનમાંથી થોડી રાહત મળી છે. અધિકારીઓએ ઓછા જોખમવાળા જિલ્લાઓમાં લોકોને આશરે એક મહિને ઘરોમાંથી બહાર નીકળવાની મંજૂરી આપી છે. શહેરમાં કોરોના કેસોમાં ઉછાળાને પગલે શાંઘાઈમાં આશરે સવા બે કરોડ લોકો ઘરોમાં કેદ હતા. જોકે હજી પણ તેમના પર નિયંત્રણો લદાયેલાં છે.

ચીનમાં કોરોના પ્રતિ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીએ એનું નામ ગતિશીલ ઝોરો કોવિડ પોલિસી રાખ્યું છે.