ન્યૂઝીલેન્ડમાં સમુદ્રમાં જળસ્તર બમણી ઝડપે વધે છે

વેલિંગ્ટનઃ નવી જાહેર કરાયેલી વિગત અનુસાર, ન્યૂઝીલેન્ડમાં સમુદ્રનું સ્તર અગાઉની ધારણા કરતાં 20થી 30 વર્ષની ઝડપે વધી રહ્યું છે. દુનિયાભરમાં ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવા માટે હાલ ઘડવામાં આવેલી નીતિઓના અભ્યાસના આધારે એવું લાગે છે કે, 2100ની સાલ સુધીમાં દુનિયાભરમાં સમુદ્રનાં સ્તર આશરે 0.6 મીટર જેટલા વધવાની સંભાવના છે.

તેમ છતાં, ન્યૂઝીલેન્ડના ઘણા ખરા ભાગોમાં એ પ્રમાણ બમણું, એટલે કે 1.2 મીટર જેટલું રહેશે. આનું કારણ એ છે કે ત્યાં જમીનનું સ્તર સતત ઘટી રહ્યું છે. વેલિંગ્ટનની વિક્ટોરિયા યુનિવર્સિટીના પ્રોફેસર ટીમ નૈશનું કહેવું છે કે પગલાં લેવા માટે આપણે ધારીએ છીએ એના કરતાં આપણી પાસે સમય ઓછો છે. ન્યૂઝીલેન્ડના સૌથી વધારે વસ્તીવાળા પ્રદેશો – જેમ કે ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં સમુદ્રનું સ્તર આપણે ધારીએ છીએ એના કરતાં વધારે ઝડપથી વધી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના સમુદ્રકિનારાના ઘણા ખરા ભાગોમાં સમુદ્રના સ્તરમાં 30 સે.મી.નો વધારો મોટા પૂરનો ખતરો દર્શાવે છે.