હાર્દિક પટેલ અખાત્રીજે મોટો ધડાકો કરે એવી શક્યતા

અમદાવાદ: છેલ્લા થોડા દિવસોથી મિડિયામાં કોંગ્રેસના કાર્યકારી નેતા હાર્દિક પટેલના વિરોધી સૂર સાંભળવા મળતા હતા, પણ હવે હાર્દિકે ટ્વિટર પ્રોફાઇલ પરથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેનો હોદ્દો દૂર કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ તેમને કોરાણે મુકાવાને પગલે અને જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂકેલા હાર્દિક પટેલે આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાની આશંકા છે. બીજી બાજુ, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે  કોંગ્રેસના નારાજ નેતાઓની સાથે બેસીને મનાવી લઈશું. આ વખતે ગુજરાતમાં 125 સીટો મેળવીશું.    

હાર્દિકે કાર્યકારી અધ્યક્ષ મામલે કોઈ સત્તાવાર જાહેરાત તો નથી કરી, તેણે પોતાના ઇન્ટ્રોમાં પોતાને દેશભક્ત, સામાજિક અને રાજકીય એક્ટિવિસ્ટ લખ્યું છે. જોકે હાર્દિકના ફેસબુક પેજ પર હજુય તે કોંગ્રેસ સાથે જોડાયેલો છે તેવું લખેલું જોવા મળી રહ્યું છે.

જોકે છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનો છે તેવી અટકળો વહેતી થઈ રહી છે. વળી, ખુદ હાર્દિકે પણ આડકતરા અણસાર આપ્યા છે અને ભાજપની નેતાગીરીનાં વખાણ પણ કર્યાં છે. વળી, હાર્દિકે વોટ્સએપ પ્રોફાઇલ પણ ચેન્જ કર્યો છે. આ સાથે હાર્દિક પટેલે ટેલિગ્રામના બાયોમાંથી પણ કોંગ્રેસનું નામ દૂર કર્યું છે. નવા ફોટોમાં હાર્દિક પટેલે કેસરી ખેસ ધારણ કર્યો છે જેથી હાર્દિક પટેલ અખાત્રીજે આ મામલે કોઈ મોટો ધડાકો કરે એવી શક્યતા છે.

‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’નો હોદ્દો હટાવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે? બે દિવસ પહેલાં પણ હાર્દિક પટેલે ડ્રગ્સ મામલે રાજ્ય સરકારના આડકતરી રીતે કરેલા વખાણમાં પણ કોંગ્રેસનો લોગો, કોંગ્રેસમાં પોતાનો હોદ્દો કે ગુજરાત કોંગ્રેસનું લેટરપેડ આ બધાનો ઉપયોગ કર્યો ન હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]