ઈસ્લામાબાદ- ભ્રષ્ટાચારના કેસમાં 10 વર્ષની સજાનું એલાન થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની જનતાને ભાવનાત્મક અપીલ કરી છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા 10 વર્ષની સજાનું એલાન કરાયા બાદ નવાઝ શરીફે કહ્યું કે, ‘હું પરત ફરીશ. મને એકલો નહીં છોડતા’. આપને જણાવી દઈએ કે, હાલમાં નવાઝ શરીફ પોતાની પત્ની અને દીકરી સાથે લંડનમાં રહે છે.નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે 10 વર્ષ સજા સંભળાવી છે અને તેમની દીકરી મરિયમને 7 વર્ષની સજા સંભળાવી છે. ઉપરાંત નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ પર મોટો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ નવાઝ શરીફના બંન્ને દીકરાઓને ભાગેડુ જાહેર કરી તેમની સામે અરેસ્ટ વોરંટ ઈશ્યુ કર્યું છે.
પાકિસ્તાનની મીડિયાના અહેવાલ મુજબ સજા જાહેર થયા બાદ નવાઝ શરીફે પાકિસ્તાનના લોકોને ભાવનાત્મક અપીલ કરી છે અને પાકિસ્તાનની જનતા માટે પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે તેમ જણાવ્યું છે. વધુમાં નવાઝ શરીફે કહ્યું કે, મુશ્કેલીના આ સમયમાં પાકિસ્તાનીઓ તેમનો સાથ ન છોડે તેવી અપીલ કરી છે. નવાઝ શરીફે કહ્યું કે, ‘મને સજા એટલા માટે મળી છે કારણકે મેં પાકિસ્તાનની જનતાને કેટલાક જનરલ અને કોર્ટના જજના દાસત્વમાંથી છોડાવવા પ્રયાસ કર્યો હતો. વધુમાં નવાઝ શરીફે તેમને આપવામાં આવેલી સજાના નિર્ણયને રાજકારણથી પ્રેરિત અને પક્ષપાતી ગણાવ્યો છે.