બિજીંગ- ચીને વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રથમ વખત બોમ્બર એરક્રાફ્ટ તહેનાત કર્યા છે. જેનાથી આ વિસ્તારમાં વિવાદ અને તણાવમાં વધારો થવાના સંકેત જણાઈ રહ્યાં છે. ચીનની એરફોર્સે જણાવ્યું કે, તેમના H-6 પ્રકારના ફાઈટર જેટ અને અન્ય બોમ્બર એરક્રાફ્ટ વિમાનોએ હાલમાં જ દક્ષિણ ચીન સમુદ્રમાં ઉડાન ભરવા અને ઉતરવાનું પ્રશિક્ષણ મેળવ્યું છે.ચીનની પીપલ્સ લીબરેશન એરફોર્સે જણાવ્યું છે કે, આ પ્રશિક્ષણ દ્વારા વાયુ સેનાને સમગ્ર ક્ષેત્રમાં પહોંચવા, પુરી ક્ષમતા અને સચોટ સમયમાં દુશ્મનને જવાબ આપવાની ક્ષમતામાં વધારો થશે. ચીનના આ પગલા અંગે અમેરિકાએ સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે, ચીનના આ પગલાથી વિવાદીત દક્ષિણ ચીન સીગર વિસ્તારમાં અશાંતિ, તણાવ અને અસ્થિરતામાં વધારો થશે. મળતી માહિતી મુજબ પેન્ટાગોનના પ્રવક્તા લેફ્ટનેન્ટ કર્નલ ક્રિસ્ટોફર લોગાને ચીનના આ પ્રયાસને વિવાદિત ક્ષેત્રના લશ્કરીકરણ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
વોશિંગ્ટન સ્થિત એશિયા મરિન ટ્રાન્સપરન્સી ઈનિશિએટીવના (AMTI) જણાવ્યા મુજબ ચીનના બોમ્બર એરક્રાફ્ટે દક્ષિણ ચીન સમુદ્રના વુડી ટાપુ પર પ્રશિક્ષણ કર્યું હતું. H-6ની મારક ક્ષમતા 3520 કિમીની જણાવવામાં આવી રહી છે. જેના લીધે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાનો વિસ્તાર તેની રેન્જમાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ચીન આ વિસ્તારમાં કેટલાંક માનવ નિર્મિત ટાપુઓ પણ બનાવી રહ્યું છે. જેના ઉપર રનવે, રડાર અને મિસાઈલ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.