સોચીમાં પુતિન સાથે થઈ મુલાકાત; મોદીએ ભારત-રશિયા મૈત્રીને વખાણી

સોચી (રશિયા) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાર્ષિક શિખર મંત્રણા યોજી હતી. બંને દેશ 2000ની સાલથી મોસ્કો અને નવી દિલ્હીમાં, એમ વારાફરતી શહેરમાં દેશના વડાઓની આવી શિખર મંત્રણા યોજતા રહ્યા છે.

પીએમ મોદીએ રશિયન પ્રમુખ પુતિનને જણાવ્યું હતું કે ભારત અને રશિયા લાંબા સમયથી મિત્રો રહ્યા છે. મને સોચી ખાતે અનૌપચારિક બેઠક માટે આમંત્રણ આપવા બદલ હું પ્રમુખ પુતિનનો આભારી છું. ભારત અને રશિયા હાલ વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારીનો આનંદ માણી રહ્યા છે. બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી હવે વિશેષ વિશેષાધિકાર વ્યૂહાત્મક ભાગીદારી બની ગઈ છે.

પુતિને પણ બંને દેશ વચ્ચેની ભાગીદારીની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે, ભારત અને રશિયાએ ગાઢ સહકાર દ્વારા એમની વચ્ચેની ભાગીદારીનું ઉચ્ચ સ્તર જાળવી રાખ્યું છે.

વાર્ષિક શિખર મંત્રણા માટે પુતિન આ વર્ષના અંત ભાગમાં ભારતની મુલાકાતે આવે એવી ધારણા છે. ભારત માત્ર બે જ દેશ સાથે સર્વોચ્ચ સ્તરે વાર્ષિક શિખર મંત્રણા યોજે છે. એક રશિયા અને બીજું જાપાન.

મોદી અને પુતિન રશિયામાં છેલ્લે ગયા વર્ષે મળ્યા હતા.

પુતિને દરિયાકિનારે આવેલા રિસોર્ટ શહેર સોચીમાં શિખર મંત્રણા માટે આવી પહોંચેલા વડા પ્રધાન મોદીને ભેટીને એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જુઓ વિડિયો…

httpss://twitter.com/ANI/status/998510778842927105