નવી દિલ્હીઃ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરની ઘટનાએ ફરી એક વાર બતાવી દીધું છે કે હિમાલય વિસ્તારમાં મોટી કુદરતી આપત્તિઓનું જોખમ કેટલું ગંભીર છે. આ દરમિયાન ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંના એકનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ એક વિશાળ ડેમ (સુપર ડેમ) બનાવવામાં આવી રહ્યો છે. બ્રહ્મપુત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે યારલુન્ગ ત્સાંગપો તરીકે પણ ઓળખવામાં આવે છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટને કારણે અત્યંત ગંભીર નુકસાનની આશંકા ઊભી થઈ છે. અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ હિમાલયના એવા ભૂકંપીય વિસ્તારમાં આવેલો છે, જ્યાં દુનિયામાં સૌથી વધુ ભૂકંપ આવે છે. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વિનાશક ભૂકંપ આવી ચૂક્યા છે. નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર પોલિસી રિસર્ચના સ્ટ્રેટેજિક સ્ટડીઝના પ્રોફેસર એમેરિટસ બ્રહ્મા ચેલાનીએ ‘પ્રોજેક્ટ સિન્ડિકેટ’ માટે લખેલા એક લેખમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ અંગે સૌથી વધુ ચિંતાની વાત હવે વિદેશી ટીકાકારોની ચેતવણી નહીં, પરંતુ ચીનના પોતાના વૈજ્ઞાનિકોની ચેતવણી છે.
સુપર ડેમથી ‘વોટર બોમ્બ’ બનવાનું જોખમ કેમ?
આ પેપરમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે અહીંની જમીનની રચના ઢીલી છે અને ખડકો તથા માટી વચ્ચેની પકડ નબળી છે. તેમણે ચેતવણી આપી છે કે જો જમીનની અંદર રહેલા ફોલ્ટમાં હલચલ થાય અથવા ભૂકંપ આવે તો મોટા વિસ્તારમાં જમીન અસ્થિર થઈ શકે છે.

ભારત માટે ખતરો કેમ?
ભારતના પૂર્વોત્તર વિસ્તાર માટે બ્રહ્મપુત્ર અત્યંત મહત્વપૂર્ણ નદી છે. તે ખેતી, માછીમારી અને વેટલેન્ડ્સ એટલે કે જળભૂમિઓ માટે જરૂરી છે. આ નદી પર લાખો લોકોનું જીવન અને રોજગાર નિર્ભર છે. આગળ જતાં આ જ નદી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે, જ્યાં તે દેશ માટે મીઠા પાણીના સૌથી મોટા સ્ત્રોતોમાંનું એક છે. અહેવાલમાં જણાવાયું છે કે ડેમના સામાન્ય મરામતના કામથી પણ નદીના પ્રવાહની દિશામાં આવેલા ઇકોસિસ્ટમ, ખેતી, કાંપના પ્રવાહ અને પૂરનાં સ્વરૂપ પર અસર પડી શકે છે. ચેલાનીએ લખ્યું છે કે તેનાથી પણ વધુ ખતરનાક સ્થિતિ ત્યારે ઊભી થઈ શકે છે જ્યારે ભૂકંપને કારણે ડેમનું માળખું તૂટી જાય અથવા ડેમને નુકસાન થયા બાદ અચાનક મોટી માત્રામાં પાણી છોડવું પડે. આવી સ્થિતિમાં નીચે ભારત અને બાંગ્લાદેશ તરફ આવેલા ગીચ વસ્તીવાળા મેદાની વિસ્તારોમાં કોઈ ખાસ ચેતવણી વિના ભયાનક પૂર આવી શકે છે.




