CPECની જેમ મ્યાનમારમાં પણ કોરિડોરની તૈયારી કરી રહ્યું છે ચીન

બિજીંગ- પાકિસ્તાન સાથે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની (CPEC) જેમ હવે ચીન મ્યાનમાર સાથે પણ ઈકોનોમિક કોરિડોર બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. બન્ને દેશો આ અંગે આગામી સમયમાં એક કરાર કરવા જઈ રહ્યા છે. ભારતના દ્રષ્ટિકોણથી આ ચિંતાજનક સમાચાર છે.ઉલ્લેખનીય છે કે, ભારતે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ હવે મ્યાનમારમાં પણ ચીન આ પ્રકારનો કોરિડોર બનાવવા તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટની શરુઆત પછી ચીન મ્યાનમારમાં મોટા પ્રમાણમાં આર્થિક રોકાણ કરશે. જેના લીધે મ્યાનમાર પર ભારતની પકડ નબળી પડશે.

મ્યાનમારના રોકાણ અને કંપની વહીવટીતંત્રના ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે, મ્યાનમાર અને ચીન બન્ને દેશો આગામી સમયમાં ઈકોનોમિક કોરિડોરના નિર્માણને લઈને એક કરાર પર હસ્તાક્ષર કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ પગલું એ મ્યાનમારના માળખાકીય વિકાસ, ટેલિકોમ્યુનિકેશન સુવિધા અને કૃષિ ક્ષેત્રે સહયોગ વધારવા માટે આધારિત છે.