વોશિંગ્ટન- અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું કરશે તે જાણવા માટે ચીન અને રશિયા ટ્રમ્પના આઈફોનનુ રેકોર્ડિંગ કરી રહ્યા છે.અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ ટ્રમ્પને આઈફોન નહીં વાપરવા માટે અનેક વખત ચેતવણી આપી છે. પણ ટ્રમ્પ તેનો આઈફોનનો મોહ નથી છોડી રહ્યાં. જેના કારણે ચીન અને રશિયાની જાસૂસી એજન્સીઓને ટ્રમ્પનો મોબાઈલ ટેપ કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે.
અમેરિકાના અખબારોએ આ અંગે પ્રકાશિત કરેલાં અહેવાલોમાં સુરક્ષા એજન્સીઓએ જણાવ્યુ છે કે, આઈફોન સુરક્ષિત નથી. ટ્રમ્પ પોતાના નિકટના વ્યક્તિઓના સંપર્કમાં રહેવાં આઈફોનનો ઉપયોગ કરે છે. જેના પગલે ચીન અને રશિયા મોબાઈલ ટાવરને હેક કરીને ટ્રમ્પની વાતો જાણી રહ્યા છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ત્રણ આઈફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. જે પૈકી બે આઈફોન સરકારી છે. જેને CIA દ્વારા કેટલાંક અંશે પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે. જોકે પર્સનલ વાત માટે ટ્રમ્પ પોતાનો વ્યક્તિગત આઈફોન વાપરે છે. જેની વાત કોઈ નહીં સાંભળે તેવી ગેરંટી સુરક્ષા એજન્સીઓ આપી શકતી નથી.
ટ્રમ્પ આઈફોન વાપરવાનુ છોડવા તૈયાર નથી ત્યારે એજન્સીઓ એવા પ્રયાસ કરી રહી છે કે, કમસેકમ ટ્રમ્પ આઈફોન પર અમેરિકાની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા અંગે વાત ના કરે.
ચીનની સરકારે ટ્રમ્પના ખાસ મિત્રોની યાદી તૈયાર કરી છે. આ તમામ મિત્રોના ફોનને ચીનની સરકાર ટેપ કરી રહી છે. ટ્રમ્પના મિત્રોમાં બ્લેકસ્ટોન ગ્રુપના સીઈઓ સ્ટીફન સ્વાર્જમેન અને લાસ વેગાસના એક કેસિનોના માલિક સ્ટીવ વિનનો પણ સમાવેશ થાય છે.