મ્યાનમાર: રોહિંગ્યા નરસંહાર મામલે સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું નિવેદન

0
722

બર્મા- UN તપાસકર્તાઓએ જણાવ્યું છે કે, મ્યાનમારમાં હજી પણ રોહિંગ્યા મુસલમાનોનો નરસંહાર કરવામાં આવી રહ્યો છે. ગતરોજ સુરક્ષા પરિષદને સોંપવામાં આવેલી રિપોર્ટમાં તપાસકર્તાઓએ જણાવ્યું કે, મ્યાનમારની સરકાર સતત એ દર્શાવવા પ્રયાસ કરી રહી છે કે, ત્યાં સંપૂર્ણપણે કાર્યશીલ લોકતંત્ર સ્થાપિત કરવામાં તેમની કોઈ રુચિ નથી. આ ઉપરાંત રિપોર્ટમાં આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય ટ્રાયબ્યુનલમાં મોકલવાની માગ કરવામાં આવી છે.મ્યાનમારને લઈને બનાવવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના તથ્યાન્વેષી મિશનના અધ્યક્ષ માર્ઝુકી દારુસમને જણાવ્યું કે, હજારો રોહિંગ્યા મુસલમાન હજી પણ બાંગ્લાદેશ તરફ પલાયન કરી રહ્યાં છે. અને બૌદ્ધ પ્રભુત્વ ધરાવતા દેશમાં  ગત વર્ષની ક્રૂર લશ્કરી ઝુંબેશ બાદ ત્યાં બચેલા લગભગ ચાર લાખ જેટલા લોકોને ગંભીર નિયંત્રણો અને દમનનો સામનો કરવો પડી રહ્યો છે.

દારુસમને તપાસકર્તાઓની ટીમની 444 પાનાની રિપોર્ટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં રજૂ કરી હતી. મ્યાનમારમાં માનવ અધિકારો અંગેના UNના વિશેષ તપાસકર્તા યાંગી લીએ કહ્યું કે, તેમણે અને આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણા લોકોએ આશા વ્યક્ત કરી હતી કે, આંગ સાન સૂ કીના શાસનમાં ત્યાંની સ્થિતિ પહેલાં કરતાં ઘણી અલગ હશે, પરંતુ વાસ્તવમાં તે ઘણી અલગ નથી.