બીજિંગઃ ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજી બે+બે પ્રધાન સ્તરીય બેઠક દરમ્યાન બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ (BECA) સહિત કેટલાક મહત્ત્વની સમજૂતી થઈ છે. એ સમજૂતી હેઠળ એકબીજાને અત્યાધુનિક સૈનિક ટેક્નોલોજી, ઉપકરણો અને ભૌગોલિક નકશાઓ એકમેક સાથે શેર કરશે. ભારત અને અમેરિકાથી પહેલેથી જ વણસેલા સંબંધોને લઈને ચર્ચામાં રહેલા ચીને તાજી સમજૂતીને લઈને તીખી પ્રતિક્રિયા આપી હતી.
ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ મુજબ ચીની વિશ્લેષકોનું માનવું છે કે સમજૂતીએ ભારતની રક્ષાત્મક નબળાઈને અમેરિકાની સામે લાવી દીધી છે અને કમ્પેટિબિલિટીના મુદ્દા પર અમેરિકાની સેવાઓ ભારતની આશાએ ખરી નહીં ઊતરે.
આ ન્યૂઝપેપરનું કહેવું છે કે અમેરિકી ચૂંટણીના ઠીક એક સપ્તાહ પહેલાં આ સમજૂતી પર હસ્તાક્ષર એટલા માટે થયા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સંભાવનાઓમાં વધારો થાય. ચીની વિશ્લેષકોના હવાલેથી ન્યૂઝપેપરે એ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકાના ગાઢ સંબંધો હજી પણ અનિશ્ચિત છે.