બીજિંગઃ ચીનમાં વીજળીના વપરાશની માગ વધી જતાં વીજપૂરવઠામાં ખેંચ ઊભી થઈ છે. એને કારણે અનેક ઘરોમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે તેમજ અનેક કારખાનાઓમાં ઉત્પાદન બંધ થઈ ગયું છે. આ વીજસંકટને કારણે ચીનના આર્થિક વિકાસની ગતિને મોટો ફટકો પડી શકે છે.
ચીનમાં ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કંપનીઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ એમનો વીજવપરાશ ઓછો રાખે જેથી વીજળીની માગ ઘટી શકે. અનેક મકાનોમાં વીજળી સપ્લાય બંધ થતાં લોકો મુસીબતમાં મૂકાઈ ગયાં છે. અનેક મકાનોમાં લોકો લિફ્ટમાં અધવચ્ચે ફસાઈ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા. સરકારના વીજળી ઉપયોગના લક્ષ્યને પૂરો કરવા માટે અનેક વિસ્તારોમાં વીજ સપ્લાયમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે. એને કારણે દેશમાં ભીષણ વીજસંકટ પેદા થયું છે. આની અસર દુનિયાના દેશોને પણ થઈ શકે છે. મોટરકાર અને સ્માર્ટફોન સહિત અનેક ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે.