હેગ (નેધરલેન્ડ્સ): રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પડોશના યૂક્રેન પર ‘વિશેષ લશ્કરી કાર્યવાહી’ કરવાનો એમના દેશની સેનાઓને આદેશ આપ્યો એનો આજે 19મો દિવસ છે. એને કારણે થયેલા રક્તપાતમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને નિરાશ્રીત બનવું પડ્યું છે. પશ્ચિમના દેશોએ આને આક્રમણ ગણાવ્યું છે. આ મામલો હવે ધ હેગ શહેરસ્થિત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)માં ગયો છે. કોર્ટે રશિયાએ યૂક્રેનમાં આદરેલા કથિત યુદ્ધ અપરાધોમાં તપાસ શરૂ કરી દીધી છે.
પુતિન રશિયાના પાટનગર મોસ્કોમાં ક્રેમલિનમાંથી એમનું શાસન ચલાવે છે. ક્રેમલિન મોસ્કોના મધ્યભાગમાં આવેલું એક અભેદ્ય સુરક્ષા બંદોબસ્તવાળું સંકુલ છે. એ પુતિનનું સત્તાવાર નિવાસસ્થાન છે. તેમાં પાંચ મહેલ, ચાર કેથેડ્રલ (ચર્ચ) આવેલા છે. નાગરિક વસ્તીઓ પર હુમલો કરવાનો ક્રેમલિન પર આરોપ મૂકાયો છે. યૂક્રેનના અણુ વિદ્યુતમથક પર રશિયાએ કરેલા હુમલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પશ્ચિમી દેશોએ રશિયા પર અસંખ્ય આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. આઈસીસી કોર્ટનું કામ ઘટનાઓની તપાસ કરવાનું અને દુનિયા માટે ચિંતાજનક હોય એવા અતિ ગંભીર પ્રકારના ગુનાઓ બદલ આરોપી વ્યક્તિઓ સામે મુકદ્દમો ચલાવવાનું છે.
આઈસીસીના ચીફ પ્રોસિક્યૂટરે સીએનએનને જણાવ્યું કે, નાગરિકો પર કે નાગરિકો માટેની વસ્તુઓને પર ઈરાદાપૂર્વક હુમલા કરવા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતો ગુનો બને છે. આ સંદર્ભમાં રશિયન સૈનિકોએ યૂક્રેનમાં નાગરિક વિસ્તારોમાં ફેંકેલા બોમ્બને યુદ્ધ અપરાધ તરીકે ગણવામાં આવ્યા છે.