બ્રિટનમાં યુવાલોકો માટે કાયમી ‘સિગારેટ પ્રતિબંધ’ લાવવા માગે છે સુનક સરકાર

લંડનઃ દેશમાં યુવા પેઢીનાં લોકોને સિગારેટ ખરીદવા પર કાયમી પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ વડા પ્રધાન રિશી સુનકની આગેવાની હેઠળની બ્રિટિશ સરકારે ગઈ કાલે રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ધૂમ્રપાનને લગતા સૌથી કડક નિયમો બ્રિટનમાં છે. સરકારના આ નિર્ણયનો જો અમલ કરાશે તો તમાકુ ઉત્પાદક કંપનીઓના વેચાણને મોટો ફટકો પડશે. એટલે તમાકુ ઉત્પાદકોએ સરકારના આ સૂચનનો વિરોધ કર્યો છે.

જો આ કાયદો પાસ થઈ જશે તો બ્રિટનમાં દર વર્ષે ધૂમ્રપાન પ્રતિબંધની ઉંમરમાં દર વર્ષે એક વર્ષનો વધારો થતો રહેશે. આ રીતે, બ્રિટિશ સરકાર દેશમાં યુવા લોકોમાં ધૂમ્રપાનના વ્યસનને તબક્કાવાર સંપૂર્ણપણે નાબૂદ કરવા માગે છે. 2040ની સાલ સુધીમાં બ્રિટનમાં એક પણ યુવા વ્યક્તિ સિગારેટ પીતી જોવા નહીં મળે. સગીર વયનાં લોકોને ક્યારેય પણ કાયદેસર રીતે સિગારેટ વેચી નહીં શકાય, એમ વડા પ્રધાન સુનકે શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના એક સંમેલનમાં જણાવ્યું હતું. ત્યાં જ એમણે સિગારેટ પ્રતિબંધ વિશે સરકારની યોજનાની જાહેરાત કરી હતી.

ધૂમ્રપાનને કારણે બ્રિટનમાં આરોગ્ય સેવાઓ પર દર વર્ષે 17 અબજ પાઉન્ડ (આશરે 20.6 અબજ ડોલર)નો આર્થિક બોજો આવે છે.

એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થ નામના પ્રચાર જૂથે રિશી સુનકની યોજનાને આવકાર આપ્યો છે. જ્યારે તમાકુ ઉદ્યોગે પ્રસ્તાવની ટીકા કરી છે. તમાકુ ઉત્પાદનોના સંગઠને કહ્યું છે કે, આ નિર્ણય પુખ્ત વયનાં લોકોનાં અધિકારો પર હુમલા સમાન છે. એને કારણે કાળા બજારમાં વ્યાપાર વધી જશે.