-તો ગાયત્રી જોશીનાં પતિ વિકાસને ઈટાલીમાં 7 વર્ષની જેલની સજા થશે

રોમઃ વર્ષો પહેલાં આવેલી હિન્દી ફિલ્મ ‘સ્વદેશ’માં અભિનય કરનાર ગાયત્રી જોશી અને એનાં પતિ વિકાસ ઓબેરોય ગયા સોમવારે ઈટાલીના સાર્ડિનીઆમાં થયેલા એક ભયંકર રોડ અકસ્માતમાં આબાદ બચી ગયાં હતાં. દુઃખદ રીતે, તે અકસ્માતમાં એક ફેરારી કારમાં સફર કરી રહેલાં એક સ્વિસ દંપતીનું કરૂણ રીતે મૃત્યુ થયું હતું. સાન ગિઓવાની સુએરગુ નગર નજીક સ્ટેટ રોડ નંબર 195 પર અનેક વાહનોની એકસાથે ટકરામણવાળો તે અકસ્માત થયો ત્યારે સ્પોર્ટ્સ કારના ઉત્સાહીઓના એક ગ્રુપમાં ગાયત્રી અને વિકાસ પણ એક હિસ્સો હતાં.

અહેવાલો અનુસાર, જો વિકાસ ઓબેરોય સામે અકસ્માતમાં સંડોવણીનો આરોપ મૂકાશે અને તે સાબિત થશે તો એમને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. વિકાસ જાણીતા ભારતીય રીયલ એસ્ટેટ ડેવલપર છે. તેઓ ઓબેરોય રિયાલ્ટી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ એક અગ્રગણ્ય કંપની છે. તે મુંબઈમાં અનેક લક્ઝરી રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટો બનાવે છે. તે ખૂબ મોંઘા રહેણાંક ટાવર, લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અને કમર્શિયલ ઓફિસ ઈમારતો બનાવે છે.

ઈટાલીમાં થયેલા તે કમનસીબ અકસ્માતનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. તેમાં ફેરારી કાર એક કેમ્પર વેનને ઓવરટેક કરવા જતાં તેની સાથે અથડાઈ પડે છે અને તેમાં આગ લાગે છે. ફેરારી કાર ગાયત્રી અને વિકાસ જે કારમાં હતાં તે લેમ્બોર્ગિની કાર સાથે પણ અથડાઈ હતી. કેમ્પર વેનમાં અનેક સ્થાનિક ઈટાલીયન પર્યટકો હતાં. ગાયત્રી-વિકાસની લેમ્બોર્ગિની કાર અથડાતાં કેમ્પર વેન ઊંધી વળી ગઈ હતી અને લેમ્બોર્ગિની કાર તેની નીચે જતી રહી હતી. ફેરારી કારમાં આગ લાગી હતી અને તેમાં સફર કરી રહેલા સ્વિટ્ઝરલેન્ડ નિવાસી દંપતીનું કરૂણ રીતે મરણ થયું હતું. ગાયત્રી અને વિકાસ આબાદ રીતે બચી ગયાં હતાં.

ગાયત્રી અને વિકાસ રજા માણવા માટે ઈટાલી ગયાં છે. ગાયત્રીએ અકસ્માતના બીજા દિવસે એક અખબારને ફોન પર કહ્યું હતું કે, ‘હું અને વિકાસ ઈટાલીમાં આવ્યાં છીએ. અહીં અનેક વાહનોની ટક્કરવાળા એક અકસ્માતમાં અમે પણ શિકાર બન્યા હતાં, ભગવાનની દયાથી હું અને વિકાસ સંપૂર્ણપણે બચી ગયાં છીએ.’