વોશિંગ્ટનઃ અમેરિકી હવાઈ ક્ષેત્રમાં રશિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધની ઘોષણા પછી તરત એરોસ્પેસ કંપની બોઇંગે રશિયન એરલાઇન્સ માટે મેઇનટેઇનન્સ અને ટેક્નિકલ સપોર્ટની સર્વિસિસને બંધ કરવાની ઘોષણા કરી છે. અમે મોસ્કોમાં મોટા ભાગની કામગીરી બંધ કરી છે અને કિવમાં કામચલાઉ રીતે અમારી ઓફિસને પણ બંધી કરી દીધી છે. આ ઉપરાંત અમે રશિયન એરલાઇન્સની સેવાઓ માટે પાર્ટ્સ, મેઇનટેનન્સ અને સર્વિસિસ માટે ટેક્નિકલ સપોર્ટ પણ બંધ કર્યો છે. જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, એ જોતાં અમે અમારા કંપનીના કર્મચારીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, એમ બોઇંગે એક નિવેદનમાં કહ્યું હતું.
કંપનીનું આ પગલું રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરમાં મોટી ખુવારીના અહેવાલ પછી આવ્યું છે, જેમાં રશિયાએ ખાર્કિવમાં મોટી ખાનાખરાબી બોલાવી છે.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિને 24 ફેબ્રુઆરીએ ડોનેટસ્ક અને લુહાન્સ્કને યુક્રેનથી અલગ રાજ્ય જાહેર કર્યા પછી યુક્રેનમાં સૈન્ય કામગીરી કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા ભારે નામોશી વહોરવી પડી છે.
આ પહેલાં બેલારુસના ગોમલ ક્ષેત્રમાં રશિયા અને યુક્રેનનાં પ્રતિનિધિ મંડળોની વચ્ચે વાટાઘાટ પૂરી થઈ હતી અને બીજા દોરની વાતચીત કેટલાક દિવસોમાં બેલારુસી-પોલિશ સરહદે થશે.