શેખર કપૂર બનાવી રહ્યા છે બ્રુસ લીનાં જીવન પર આધારિત ફિલ્મ

સિંગાપોર – પીઢ દિગ્દર્શક શેખર કપૂરે કહ્યું છે કે દંતકથસમા ચાઈનીઝ-અમેરિકન ફિલ્મ સ્ટાર બ્રુસ લીનાં જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ પર હાલ અમારું કામ ચાલી રહ્યું છે.

71 વર્ષીય કપૂરે એમની ફિલ્મનું નામ રાખ્યું છે – ‘લિટલ ડ્રેગન’. આ એમનો પહેલો ચાઈના પ્રોજેક્ટ છે. એમને આ ફિલ્મની પટકથા લખવામાં મદદરૂપ થવા તેમજ ફિલ્મને ડાયરેક્ટ કરવા માટે કરારબદ્ધ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સંગીતકાર તરીકે એ.આર. રેહમાનને પસંદ કરવામાં આવ્યા છે.

ફિલ્મનો પહેલો સ્ક્રિપ્ટ મુસદ્દો બ્રુસ લીનાં પુત્રી શેનન લીએ લખ્યો છે, એમ કપૂરે કહ્યું છે.

‘લિટલ ડ્રેગન’ ફિલ્મને સત્તાવાર યૂએસ-ચાઈના સહ-નિર્માણ તરીકે ગણવામાં આવ્યું છે, કારણ કે ફિલ્મ નિર્માણ માટે ઘણી ચાઈનીઝ કંપનીઓ નાણાં રોકે એવી ધારણા છે.

આ ફીચર ફિલ્મમાં બ્રુસ લી હોલીવૂડની ફિલ્મોમાં કામ કરવા માટે હોંગ કોંગથી રવાના થયા એ પહેલાંનાં એમના જીવનમાં બનેલી ઘટનાઓ પ્રસ્તુત કરવામાં આવશે. 1970ના દાયકામાં બ્રુસલી હોલીવૂડ જઈને એક આદર્શ અને કુંગ-ફૂ મૂવીના માસ્ટર બની ગયા હતા.

શેખર કપૂરનું માનવું છે કે ચીનમાં ભારતીય ફિલ્મોની ઘણી ડીમાન્ડ છે. ‘દંગલ’ ફિલ્મે એ પુરવાર કરી આપ્યું છે.

‘દંગલ’ ફિલ્મ આ વર્ષના મે મહિનામાં ચીનમાં રિલીઝ થઈ એના એક જ મહિનામાં એણે 9 કરોડ 33 લાખ ડોલરનો વકરો કર્યો હતો.

શેખર કપૂર એમની ‘પાની’ ફિલ્મ પર છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યા છે, પણ ઈન્વેસ્ટરોનો સાથ ન મળતાં એ ખોરંભે ચડી ગઈ છે. આ ફિલ્મ એમનો અત્યાર સુધીનો સૌથી ખર્ચાળ પ્રોજેક્ટ છે, એવું કપૂર કહે છે. એ માટે પોતાને 3 કરોડ ડોલરનો ખર્ચ થશે એવું તે કહે છે.

1945માં પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા શેખર કપૂરે 1983માં ‘માસૂમ’ ફિલ્મ બનાવીને બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 1994માં એમણે ડાકુરાણી ફૂલનદેવીનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ ફિલ્મ બનાવી હતી. તે ઉપરાંત રાણી એલિઝાબેથ પરનાં જીવન પર આધારિત અંગ્રેજી ફિલ્મ ‘એલિઝાબેથ’ (1998માં) બનાવી હતી.

સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદ શેખર કપૂરનાં મામા હતા. કપૂરનાં ત્રણમાંના એક બહેન નીલૂ અભિનેતા નવીન નિશ્ચલના પ્રથમ પત્ની હતાં. બીજા બહેન અરૂણાએ અભિનેતા પરીક્ષિત સહાની સાથે લગ્ન કર્યાં છે. કપૂરે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના ભત્રિજી મેધા ગુજરાલ સાથે લગ્ન કર્યા હતા, પણ બાદમાં છૂટાછેડા લીધા હતા. મેધાએ બાદમાં અનુપ જલોટા સાથે લગ્ન કર્યા હતા, પણ 2014માં મેધાનું નિધન થયું હતું. કપૂરે 1999માં સુચિત્રા કૃષ્ણમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા, પણ 2007માં છૂટાછેડા લીધા હતા. એમને એક દીકરી છે – કાવેરી કપૂર.

શેખર કપૂરે 1987માં ‘મિસ્ટર ઈન્ડિયા’ બનાવી હતી. ત્યારબાદ જોશીલે, દુશ્મની જેવી અન્ય હિન્દી ફિલ્મો તથા અમુક અંગ્રેજી ફિલ્મો બનાવી હતી. તેઓ ‘દિલ સે’ અને ‘ધ ગુરુ’ ફિલ્મોના સહ-નિર્માતા હતા.