અફઘાનિસ્તાન મુદ્દે ભારત અમારો મહત્વપૂર્ણ સહયોગી: અમેરિકા

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દક્ષિણ એશિયા નીતિની જાહેરાત કરાયાના 100 દિવસ બાદ હવે અમેરિકાએ કહ્યું છે કે, અફઘાનિસ્તાન મુદ્દે ભારત તેનું મહત્વપૂર્ણ સહયોગી છે. અને તે યુદ્ધથી જર્જરિત થયેલા દેશના પુન:વિકાસ માટે આર્થિક સહયોગ વધારવા નવી દિલ્હીના સહયોગ અને વિકલ્પોનું સમર્થન કરે છે.

ટ્રમ્પ પ્રશાશનના એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, ભારતે એ વાત સાબિત કરી બતાવી છે કે, અફઘાનિસ્તાન મુદ્દે ભારત એક એવો પક્ષ છે જેણે યુદ્ધથી બરબાદ થયેલા દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ આપવા તૈયારી દર્શાવી છે.

અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, આપ જાણો છો કે, 21 ઓગસ્ટના પોતાના ભાષણમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે અફઘાનિસ્તાન મુદ્દે ભારતને અમેરિકાનો મોટો સહયોગી દેશ ગણાવ્યો છે. મને લાગે છે કે, ભારત પ્રેસિડેન્ટ ટ્રમ્પના આહ્વાનનો સકારાત્મક જવાબ આપી રહ્યું છે. નવી દિલ્હીમાં સપ્ટેમ્બરમાં યોજાયેલા સફળ વ્યાપાર સમ્મેલનનું ઉદાહરણ આપીને અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, આ સમ્મેલનમાં અનેક નવા સોદાઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારતે અફઘાનિસ્તાન માટે એરપોર્ટ તૈયાર કર્યું, હવાઈ સેવા શરુ કરી અને હવે ઈરાનના ચાબહાર પોર્ટથી ઘઉંની નિકાસ પણ કરી છે. ટ્રમ્પ પ્રશાશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારતના ઉપરોક્ત પગલાને કારણે અમેરિકા ભારતનું સમર્થન કરે છે. ભારત અફઘાનિસ્તાન સાથે આર્થિક સંબંધો વિકસાવી રહ્યું છે. અને ટ્રાન્સપોર્ટના વિકલ્પ પણ વધારી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]