વિયેતનામમાં અબજપતિ મહિલા વેપારીને સજા-એ-મોત

નવી દિલ્હીઃ સામાન્ય રીતે શ્રીમંત વ્યક્તિઓ પૈસાના જોરે સજા થવામાંથી છૂટી જવાની માન્યતા છે, પણ વિયેતનામમાં એક મહિલા અબજપતિ વેપારી મોતની સજા આપવામાં આવી છે. મહિલાનું નામ ટુઓંગ માઇ લેન છે અને એ રિયલ એસ્ટેટના દિગ્ગજ વેપારી છે. લેનને સજા છેતરપિંડી કેસમાં થઈ છે. આ દેશનો સૌથી મોટો છેતરપિંડી કેસ બતાવવામાં આવ્યો છે. હો ચી મિન્હ સિટીની કોર્ટે લેનને મોતની સજા સંભળાવી છે. લેન રિયલ એસ્ટેટ કંપની વાન થિન્હ ફટનાં ચેરમેન છે. 67 વર્ષનાં લેનને વર્ષ 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

આ વેપારી મહિલા પર 12 અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ રકમ વિયેતનામના 2022ના કુલ GDPના આશરે ત્રણ ટકા છે. લેન પર આરોપ છે કે એણે 2012 અને 2022ની વચ્ચે સૈગોન જોઇન્ટ સ્ટોક કોમર્શિયલ બેન્ક પર ગેરકાયદે રીતે નિયંત્રણ હાંસલ કર્યું હતું અને સરકારી અધિકારીઓને લાંચ આપીને નકલી કંપનીઓ બનાવીને રકમ કાઢી લીધી હતી. વર્ષ 2022માં વિયેતનામમાં ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશમાં લેનની ધરપકડ સૌથી મોટી કાર્યવાહી છે. ત્યાં સુધી કે ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા વિયેતનામના નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વૈન થિન્હ ફટ વિયેતનામની સૌથી શ્રીમંત રિયલ એસ્ટેટ કંપનીઓમાં સામેલ છે. એનો વેપારનો દાયરો ઘણો મોટો છે. આ કંપની લક્ઝરી બિલ્ડિંગો, ઓફિસો, શોપિંગ સેન્ટર અને હોટેલ્સ બનાવે છે. છેતરપિંડીનો આ મામલો એવા સમયે બહાર આવ્યો છે, જ્યારે દેશમાં વિદેશી રોકાણકારો આકર્ષવા માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે.

વર્ષ 2023માં આશરે 1300 પ્રોપર્ટી કંપનીઓએ વિયેતનામની રિયલ એસ્ટેટ વેપારીઓ પોતાનો હાથ પાછો ખેંચી રહ્યા છે.