ઢાકા- બાંગ્લાદેશ આગામી મહિનાથી એક લાખ રોહિંગ્યા શરણાર્થીઓને દૂરના વિસ્તારમાં સ્થિત એક ટાપુ પ્રદેશમાં મોકલવાનું શરુ કરશે. આ અંગેની માહિતી બાંગ્લાદેશના અધિકારીઓએ આપી હતી. સાથે જ એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, ટાપુને ખરાબ હવામાનનો સામનો કરવો પડી શકે છે.આપને જણાવી દઈએ કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આગામી ત્રણ ઓક્ટોબરના રોજ આઆ ટાપુ ઉપર વિસ્થાપિત રોહિંગ્યા મુસલમાનો માટે નવા સ્થાપવામાં આવેલા આશ્રય કેન્દ્રને સત્તાવાર રીતે ખુલ્લું મુકશે. આ ટાપુ બંગાળની ખાડીમાં આવેલો છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના અધિકારીઓએ અગાઉ પણ જણાવ્યું હતું કે, તેઓ ચોમાસું શરુ થતા પહેલાં મ્યાનમાર સરહદ નજીકના ટાપુ પર જૂન મહિનાથી જ રોહિંગ્યા શરણાર્થીઓને મોકલવા ઈચ્છે છે. બાંગ્લાદેશના નૌકાદળે એક લાખ શરણાર્થીઓ માટે આશ્રય કેન્દ્રના નિર્માણકાર્યને ઝડપી બનાવ્યું છે અને આ પ્રોજેક્ટનું લગભગ 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.
બંગ્લાદેશના અધિકારી હબીબુલ કબીર ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં આવતા મહિનાથી 50થી 60 રોહિંગ્યા શરણાર્થી પરિવારોને પ્રથમ તબક્કામાં ત્યાં લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટાપુ પાસેના તટીય વિસ્તારમાં ગત 50 વર્ષોમાં કુદરતી આફતોના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે.