ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફ, પુત્રીની જેલની સજા સસ્પેન્ડ કરી

ઈસ્લામાબાદ – ભ્રષ્ટાચારના એક કેસમાં, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને એમના પુત્રી મરિયમને ફરમાવાયેલી જેલની સજાને ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે સસ્પેન્ડ કરી દીધી છે.

આ કેસ લંડનમાં લક્ઝરિયસ ફ્લેટની ખરીદી કરવાને લગતો છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટના બે-જજની બેન્ચે નવાઝ શરીફ, મરિયમ તથા મરિયમનાં પતિ કેપ્ટન (નિવૃત્ત) મુહમ્મદ સફદરે નોંધાવેલી અરજી પર આજે ફેંસલો સંભળાવ્યો છે. શરીફ પરિવારજનોએ એમને જેલની સજા કરતા ચુકાદાને પડકાર્યો છે.

એવનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં ન્યાયમૂર્તિ અતહર મિનાલ્લાહે ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને ગઈ 6 જુલાઈએ એકાઉન્ટેબિલિટી કોર્ટના જજે સંભળાવેલી જેલની સજાને સસ્પેન્ડ કરી દીધી છે. નવાઝ શરીફ, મરિયમ અને સફદરને અનુક્રમે 11, 8 તથા એક વર્ષની જેલની સજા ફરમાવી હતી.

આજે બે-જજની બેન્ચે નવાઝ શરીફ, મરિયમ તથા સફદરને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.

ત્રણેય જણને રૂ. પાંચ-પાંચ લાખના જામીનગીરી બોન્ડ સુપરત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.