અમે પાકિસ્તાનથી સ્વતંત્ર થઈને જ રહીશું: બલૂચ નેતા

પેશાવરઃ બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં ગુસ્સો સતત વધતો જાય છે. બલૂચ લોકો અવારનવાર પાક સરકાર અને સેનાવિરોધી દેખાવો કરી રહ્યા છે. બલૂચ નેશનલ પાર્ટીના અધ્યક્ષ અખ્તર મિંગલે પાકિસ્તાની સરકારની મુસીબતો વધારી દીધી છે. ‘બલૂચિસ્તાન 1947થી પહેલાં સુધી આઝાદ હતું અને એના પર પાકિસ્તાન સરકારે ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે અને બલૂચ લોકો સતત પોતાની સ્વતંત્રતા માટે લડાઈ લડી રહ્યા છે. બલૂચોના ખાતમા માટે પાક સરકારે કેટલીય વાર સેના દ્વારા ઓપરેશન ચલાવ્યા છે અને સેંકડો નિર્દોષોને મારી નાખ્યા છે, સેંકડોને જેલમાં ગોંધી રાખ્યા છે. જેમની આજ સુધી કોઈને જાણ નથી, એમ મિંગલે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર અપરાધીઓ સાથે મળેલી છે. તે અહીંની નિર્દોષ અને ભોળી પ્રજા પર અત્યાચાર કરી રહી છે. મહિલાઓ, માનવાધિકારની સામે અવાજ ઉઠાવવાળા અને સ્વતંત્રતાની વાત કરવાવાળા સામે ગેરવર્તન કરે છે.

અખ્તર બલૂચિસ્તાનના મોટા ગજાના નેતા

અખ્તર બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે અને તે મોટા ગજાના બલૂચ નેતા છે. 2013માં જ્યારે તેઓ પાકિસ્તાનની સંસદ માટે ચૂંટાયા હતા, ત્યારે તેમણે પાકિસ્તાનના નામે સોગંદ લેવાને બદલે બલૂચિસ્તાનને નામે સોગંદ લીધા હતા. તેમણે કહ્યું હતું કે ન જાણે કેટલા બલૂચ અત્યાર સુધી પાકિસ્તાનના દમનના શિકાર થઈ ચૂક્યા છે.

નિર્દોષ બલૂચોને ડિટેન્શન સેન્ટરમાં યાતના

સરકાર વારંવાર ખંડન કરે છે કે બલૂચોના ગુમ થવા પાછળ તેનો હાથ નથી તો પછી જે બલૂચોની સાથે અત્યાચાર થઈ રહ્યા છે- એની પાછળ કોણ છે?  નિર્દોષ બલૂચોને ડિટેન્શન સેન્ટરમાં યાતનાઓ ભોગવવી પડે છે. આ સેન્ટરમાં તેમને ત્યાં સુધી યાતના આપવામાં આવે છે, જ્યાં સુધી તેઓ મોતને ઘાટ ના ઊતરે. એક બહેનને તેનો ભાઈ અને એક માતાને તેનો પુત્રનો ચહેરો એ કારણથી જોવા ના દેવામાં આવ્યો, કેમ કે તેમનાં મોત આ જ ડિટેન્શન સેન્ટરમાં યાતનાઓને કારણે થયાં હતાં. આ બંને જણે પોતાના ભાઈ અને પુત્રની ઓળખ  તેનાં કપડાં અને પગથી કરી હતી. એક દિવસ બલૂચોનું પાકિસ્તાનથી સ્વતંત્ર થવાનું સપનું જરૂર પૂરું થશે, એમ તેમણે કહ્યું હતું.