પાકિસ્તાનમાં પોલીસ દમનઃ મરિયમ નવાઝનાં પતિની ધરપકડ

કરાચીઃ PML-Nનાં ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે કહ્યું છે કે તેમના પતિ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના જમાઈ, નિવૃત્ત લશ્કરી અધિકારી મોહમ્મદ સફદરની કરાચીની એક હોટેલથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અમે જે હોટેલમાં ઉતર્યાં હતા ત્યાં પોલીસોએ અમારી રૂમનો દરવાજો તોડીને મારાં પતિ કેપ્ટન સફદરની ધરપકડ કરી હતી. હું રૂમમાં સૂતી હતી અને ત્યારે પોલીસો અંદર ઘૂસી આવ્યા હતા.

પોલીસો ઘૂસી આવ્યા બાદ રૂમનું તાળું જમીન પર પડ્યું હતું એનો વિડિયો મરિયમે સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. સફદરે મોહમ્મદ અલી જિન્નાહની સમાધિ પર સરકારવિરોધી સૂત્રો પોકાર્યા પછી આ ઘટના બની હતી, જેના એક દિવસ પછી કરાચીમાં પાકિસ્તાનના ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) કરાચીમાં શક્તિશાળી પ્રદર્શન કર્યું હતું, એમ ડોન ન્યૂઝે અહેવાલ આપ્યો હતો.

સમાધિ (મકબરા)ની પવિત્રતાના ભંગ બદલ મરિયમ નવાઝ, સફદર અને અન્ય 200 લોકો સામે FIR નોંધવામાં આવ્યો છે. દરમ્યાન સમુદ્રી બાબતોના કેન્દ્રીય પ્રધાન સૈયદ અલી હૈદર ઝૈદીએ PML-Nના વાઇસ પ્રેસિડેન્ટના તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા.

મજાર-એ-કાયદેનું અપમાન કરવાવાળા ગુંડાઓની સામે IG સિંહ દ્વારા લેવાયેલાં પગલાંની તેમણે પ્રશંસા કરી હતી. કાયદાએ એનું કામ કર્યું છે. મરિયમ ફરી એક વાર ખોટું બોલી રહ્યાં છે કે હોટેલનો દરવાજો તોડ્યો છે. તેઓ વિડિયો બતાવે. શું તમને કોઈ હાથકડીઓ દેખાય છે?  શું એવું લાગે છે કે તેમની જબરદસ્તી ધરપકડ કરવામાં આવી હોય?  એવા તેમણે સવાલો કર્યા હતા.