2019માં F-16 વિમાન તોડી પાડ્યાના ભારતના-દાવાને પાકિસ્તાનનો-રદિયો

ઈસ્લામાબાદઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન (જે હવે ગ્રુપ કેપ્ટન છે), એમણે 2019ના ફેબ્રુઆરીમાં એક હવાઈ જંગ વખતે પાકિસ્તાનના યુદ્ધવિમાન F-16ને તોડી પાડ્યું હોવાના ભારતના દાવાને પાકિસ્તાન સરકારે આજે ‘પાયાવિહોણો’ કહીને નકારી કાઢ્યો છે. ગ્રુપ કેપ્ટન વર્તમાનને ગઈ કાલે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ‘વીર ચક્ર’ એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. ‘પરમ વીર ચક્ર’ અને ‘મહા વીર ચક્ર’ બાદ ‘વીર ચક્ર’ ભારતનો ત્રીજા નંબરનો એવોર્ડ છે જે જવાનોને યુદ્ધમાં વીરતા બતાવવા માટે અપાય છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ‘કોઈ ભારતીય પાઈલટે પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યાના ભારતના દાવાને પાકિસ્તાન સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવીને નકારી કાઢે છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તાની F-16 વિમાનની ચકાસણી કર્યા બાદ સમર્થન આપ્યું છે કે 2019ની 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનું કોઈ F-16 વિમાન તોડી પડાયું નહોતું. તે પાઈલટને મુક્ત કરવાનું પાકિસ્તાન સરકારનું પગલું ભારત દ્વારા શત્રુતાભરી અને ઉપજાવી કાઢેલી આક્રમક કાર્યવાહી કરાઈ હોવા છતાં એની સાથે શાંતિ જાળવી રાખવાની પાકિસ્તાનની ઈચ્છાનો એક પુરાવો છે.’

ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર વર્તમાને 2019ની 27 ફેબ્રુઆરીએ એક હવાઈ જંગમાં પોતે જેમાં ઉડ્ડયન કરતા હતા તે મિગ-21 બિસોન વિમાન પર હુમલો કરાય એ પહેલાં જ એમણે પાકિસ્તાનના F-16 જેટ વિમાનને તોડી પાડ્યું હતું. જોકે એ જંગ બાદ એમનું વિમાન પાકિસ્તાનની ધરતી પર પડ્યું હતું. વર્તમાન બચી ગયા હતા, પણ પાકિસ્તાનમાં એમને અટકમાં લેવામાં આવ્યા હતા. બાદમાં 1 માર્ચની રાતે એમને માનભેર ભારતને પાછા સોંપી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવાઈ દળના જેટ વિમાનોએ 2019ની 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના અડ્ડાઓ પર જોરદાર બોમ્બમારો કર્યો હતો અને સીઆરપીએફના 40 જવાનોને ભોગ લેનાર પુલવામા આતંકવાદી હુમલાનું વેર વાળ્યું હતું. એ વખતે બંને દેશના વચ્ચે તીવ્ર હવાઈ ઘર્ષણ થયું હતું. એમાં ભારતીય પાઈલટ અભિનંદન વર્તમાનને પાકિસ્તાની સત્તાવાળાઓએ પકડી લીધા હતા અને બાદમાં છોડી દીધા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]