સિડની: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગને કાબૂમાં લેવામાં માટે રેસ્ક્યૂ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે. 4 મહિનાથી લાગેલી આગમાં લગભગ 50 કરોડ પશુ-પક્ષી બળીને ખાખ થઈ ચૂક્યા છે અને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર આગની સૌથી ખરાબ અસર જોવા મળી છે. ન્યુ સાઉથ વેલ્સના મધ્ય-ઉત્તરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોઆલા રહે છે આ આગને કારણે કોઆલાની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે.
ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી હતી જે હજુ સુધી કાબૂમાં આવી નથી. યુનિવર્સિટી ઓફ સિડનીના ઈકોલોજિસ્ટનું અનુમાન છે કે, અત્યાર સુધીમાં 48 કરોડ જાનવરોના મોત થયા છે. આગની ઝપેટમાં આવનારા જાનવરોમાં સ્તનધારી પશુ, પક્ષી અને અન્ય જીવોનો સમાવેશ થાય છે. જાનવરોને બચાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. જંગલમાં વિકરાળ આગને પગલે રાષ્ટ્રીય પક્ષી કાંગારુ જીવ બચાવવા માટે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે.
કોઆલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં વૃક્ષો પર વસવાટ કરતા દુલર્ભ પ્રજાતિના જાનવર છે. કોઆલાની ફેસકોલાર્કટિડાએ (Phascolarctidae) પ્રજાતિ અંતિમ દુર્લભ જાનવર છે. ખાસ કરીને આ પ્રજાતિ પૂર્વ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના કાંઠા વિસ્તારોમાં જોવા મળી છે. 20મી સદીમાં ઓસ્ટ્રેલિયાના મોટાભાગના કોઆલાને મારી નાખવામાં આવ્યા હતા પણ ત્યારપછી તેને સંરક્ષિત કરવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી. અનેક સમાજસેવી સંસ્થાઓ કોઆલા પ્રજાતિના રીંછને બચાવવા માટે અત્યારે ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે.
આ સપ્તાહે કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહેલી આગમાં અત્યાર સુધીમાં 200થી વધુ ઘર પણ બળીને ખાખ થઈ ગયા છે. આગની અસર હવે સિડનીમાં પણ જોવા મળી રહી છે જેને પગલે હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ સિઝનમાં આગથી સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આ આગ એટલી વિકરાળ છે કે, તેની અસર ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળી રહી છે અહીં લોકો ઈમરજન્સી સેવા પર સતત ફોન કરીને સુવિધા માંગ કરતા આકાશમાં નારંગી રંગના ધૂમાડો દેખાતો હોવાની સૂચના આપી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ દ્વીપના મોટાભાગનો વિસ્તાર આગના ધૂમાડાથી ઢંકાઈ ગયો છે જેના કારણે સફેદ હિમનદીઓ ભૂરા રંગની દેખાવા લાગી છે. ધીમે ધીમે આ ધૂમાડો હવે દ્વીપના ઉત્તરી ભાગ તરફ પહોંચી ગયો છે. આકાશમાં ઝાકળ દેખાતા પોલીસે લોકોને 111 (ઈમરજન્સી નંબર) પર આ નારંગી રંગના ધૂમાડાની સૂચના આપવા માટે વારંવાર કોલ નહીં કરવા અપીલ કરી છે.