પાકિસ્તાનમાં ચીનના પ્રોજેક્ટને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યું છે. બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં સૈંડક ખનન પ્રોજેક્ટ સાથે જોડાયેલા સામાન લઈ જતા 29 વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં બળવાખોરોએ IED વિસ્ફોટથી 20 વાહનોને નિશાન બનાવ્યા અને ત્યારબાદ ભારે ગોળીબાર કર્યો. આ હુમલામાં શરૂઆતમાં 8 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું, જો કે બાદમાં અધિકારીઓએ પુષ્ટિ કરી કે આ કાફલામાં કોઈ ચીની નાગરિક હાજર ન હતો.
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો ખનિજ સમૃદ્ધ પ્રદેશ છે, જ્યાં ચીનની કંપનીઓ વર્ષોથી ખનન કરી રહી છે. આરોપ છે કે ચીન બલૂચિસ્તાનના સંસાધનોનું શોષણ કરી રહ્યો છે, અને મળતા નફાનો મોટો હિસ્સો પોતાના માટે રાખી લે છે. સ્થાનિક લોકોને ફક્ત 2% ફાયદો મળે છે, જેને કારણે અહીંના લોકોમાં અસંતોષ વધતો જાય છે.
પાકિસ્તાનમાં ચાઈનીઝ પ્રોજેક્ટ અને નાગરિકો પર છેલ્લા કેટલાક વર્ષોથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. ગત વર્ષે 6 ઓક્ટોબરે બલૂચ લિબરેશન આર્મી (BLA) ના બળવાખોરોએ કરેલાં બોમ્બ વિસ્ફોટમાં બે ચાઈનીઝ નાગરિકોના મોત થયા હતાં. જેનાથી પાકિસ્તાનમાં ચીનના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી હતી. ચીનની સુરક્ષાને લઈને ચિંતા વધતા, પાકિસ્તાને પોતાના રક્ષા બજેટમાં વધારો કર્યો છે. તેમ છતાં, આ હુમલાઓ રોકવા પાકિસ્તાની સરકાર માટે મોટી પડકારરૂપ બાબત બની ગઈ છે. ગત વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાને પોતાના 2.1 ટ્રિલિયનના રક્ષા બજેટ હેઠળ ‘ઓપરેશન આઝમ-એ-ઇસ્તેખામ’ માટે 60 અરબ રૂપિયાની ફાળવણી કરી હતી.
