6.5ની તીવ્રતાના ભૂકંપે પાકિસ્તાનમાં 9નો ભોગ લીધો

ઈસ્લામાબાદઃ ગઈ મોડી રાતે લગભગ 10.20 વાગ્યે આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપને કારણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઓછામાં ઓછા 9 જણના મરણ થયા છે. 100 જેટલા લોકોને પ્રાંતના સ્વાત વેલી વિસ્તારની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હિન્દૂ કૂશ પ્રાંતમાં, જુર્મ નગરની દક્ષિણ બાજુએ ધરતીથી 40 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. પ્રાંતના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ભૂકંપને કારણે ઓછામાં ઓછા 19 મકાનને આંશિક રીતે નુકસાન પહોંચ્યું છે.

ભૂકંપનો આંચકો જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પણ લાગ્યો હતો અને અમદાવાદ, વડોદરામાં પણ લોકોએ એનો અનુભવ કર્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં તીવ્ર આંચકો આવતાં લોકો ગભરાટના માર્યા પોતપોતાનાં ઘર-મકાનમાંથી રસ્તા પર દોડી ગયાં હતાં. ઉત્તર ભારતમાં ધરતી બે વાર ધ્રૂજી ઊઠી હતી. લગભગ 10 સેકંડ સુધી જમીનમાંથી ધ્રૂજારી આવતી રહી હતી.