પહાડોમાં ભૂલા પડી ગયેલા પર્યટકોને એપલના આઈફોન-14એ બચાવ્યા

રોમઃ એપલ કંપનીના આઈફોન પરના સેટેલાઈટ ફીચર મારફત ઈમર્જન્સી એસઓએસ સંદેશાએ ઈટાલીના પહાડોમાં ભૂલા પડી ગયેલા બે પર્યટકોને ઉગારવામાં મોટી મદદ કર્યાની એક ઘટના બની છે. બંને પર્વતારોહક એપેનાઈન્સ પર્વતમાળામાં સાહસયાત્રા પર ગયા હતા, પરંતુ સેલફોનના સિગ્નલ વગર તેઓ એક વિસ્તારમાં ભૂલા પડી ગયા હતા. એમના સદ્દનસીબે, એમની પાસે એપલનો આઈફોન-14 હતો જેનાથી એમને સેટેલાઈટ ટેક્સ્ટ મેસેજ મારફત ફોન કરવાનો વિકલ્પ મળ્યો હતો. એમના આનંદ વચ્ચે સ્થાનિક અગ્નિશમન વિભાગના જવાનોની એક ટૂકડી એમને બચાવવા આવી પહોંચી હતી. બચાવ ટૂકડીએ એમને શોધી કાઢ્યા હતા અને એમના વાહનને ખેંચીને બહાર કાઢ્યું હતું અને એમને રસ્તા પર ફરી લાવીને મૂકી દીધા હતા.

આવી અનેક ઘટનાઓમાં મુસીબતમાં મૂકાઈ ગયેલાઓને આઈફોનનું સેટેલાઈટ ટેક્સ્ટ મેસેજ ફીચર કામમાં આવ્યું હતું. સેલફોન સેવા પ્રાપ્ત ન હોય તે છતાં આઈફોનમાં SOS એક્ટિવેટ કરીને મદદ મેળવી શકાય છે.