ન્યૂયોર્કઃ ગયા સપ્તાહાંતે અહીંના એક ગુરુદ્વારાની બહાર અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધૂની કેટલાક ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલી ધક્કામુક્કીની ઘટનાને અમેરિકામાં વસતા શીખોની એક સંસ્થાએ વખોડી કાઢી છે. ‘શીખ્સ ઓફ અમેરિકા’ નામની સંસ્થાએ ગુરુદ્વારાના મેનેજમેન્ટને વિનંતી કરી છે કે સંધૂ પર કરાયેલા હુમલા માટે જવાબદાર લોકો સામે તે કડક પગલું ભરે.
‘શીખ્સ ઓફ અમેરિકા’ના સ્થાપક અને ચેરમેન જસદિપસિંહ જસ્સી અને પ્રમુખ કંવલજીતસિંહ સોનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુદ્વારા ભક્તિના સ્થળો છે અને એમને અંગત રાજકીય મંતવ્યોથી મુક્ત રાખવા જોઈએ. તરનજીતસિંહ સંધૂ ગયા રવિવારે ગુરુપૂરબ પર્વ નિમિત્તે ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં આવેલા હિક્સવિલ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા ગયા હતા. ત્યાં ગુરુદ્વારાના સંચાલકો દ્વારા એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાર્થના કરીને સંધૂ ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે ત્યાં એકત્રિત થયેલા કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ એમને ધક્કે ચઢાવ્યા હતા. પરંતુ શીખ સમુદાયના સભ્યોએ એ તોફાની તત્ત્વોને ત્યાંથી હાંકી કાઢ્યા હતા.