ટોક્યોઃ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યાને લીધે તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને એના ગઠબંધન સહયોગીઓએ સાંસદોની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. એની સાથે પાર્ટીએ ઉપલા સદનમાં પોતાની બેઠકો જાળવી રાખી હતી. હાલના વડા પ્રધાન ફુમિયો કિશિદા પણ આ પાર્ટીના છે. જાપાની રાજ્ય મિડિયા NHK એક્ઝિટ પોલ શોના જણાવ્યાનુસાર જાપાનની ગવર્નિંગ પાર્ટી અને એના ગઠબંધન સહયોગી કોમિટોએ ચૂંટણી દરમ્યાન લડેલી 83 બેઠકોમાં 69 બેઠકો પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં 125 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
આબેની હાલમાં થયેલી હત્યાએ LDP પાર્ટીને જાપાનના હાલના વડા પ્રધાન કિશિદાના નેતૃત્વમાં સહાનુભૂતિ મતો હાંસલ કરવામાં મદદ કરી છે. ચૂંટણીનાં પરિણામો આવનારા સપ્તાહમાં સોમવારે આવવાની અપેક્ષા છે.
LDPના વરિષ્ઠ નેતા અને જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને શુક્રવારે નારા શહેરમાં ચૂંટણીના ભાષણ દરમ્યાન ગોળી મારવામાં આવી હતી. ચૂંટણી વિશ્લેષકોનું કહેવું છે કે આ ઘટનાએ પરિણામોને પ્રભાવિત કર્યા હશે, કેમ કે LDP પાર્ટીના બંધારણમાં સંશોધન માટે આવશ્યક સંસદમાં બે તૃતીયાંશ બહુમતી પ્રાપ્ત થઈ હતી. શિન્ઝો આબેની કલ્પના મુજબ જાપાની નેતાઓ સેનાની ભૂમિકાને મજબૂત કરવા માટે બંધારણમાં સંશોધન કરવા પર ભાર આપી રહ્યા હતા. રવિવારે થયેલી જીતનો અર્થ એ છે કે કિશિદાની પાસે બંધારણીય પરિવર્તનોની સાથે આગળ વધવા માટે પર્યાપ્ત બેઠકો હશે.