અમેરિકામાં રહેતા ભારતીયોની નોકરી પર સંકટના વાદળો

નવી દિલ્હી: વિદેશી આઈટી પ્રોફેશનલોએ ટ્રમ્પ પ્રશાસને આગ્રહ કર્યો છે કે, તેમને 60 દિવસને બદલે 180 દિવસ સુધી અમેરિકામાં નોકરી કરવાની મંજૂરી આપે. કોરોનાવાઈરસને કારણે અમેરિકામાં મોટાપ્રમાણમાં છટણીની સ્થિતિ ઉભી થાય તેવી ભીતી છે. આ પ્રોફેશનલોમા મોટાભાગના ભારતીય એચ-1બી વીઝાધારકો છે. એચ-1બી એક નોન-પ્રવાસી વીઝા છે, જે અમેરિકન કંપનીઓને વિદેશી સ્કિલ્ડ વર્કરોને અમુક ખાસ વ્યવસાયોમાં નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. ભારતીય આઈટી પ્રોફેશનલોની આમાં સૌથી વધુ માંગ છે.

વર્તમાન નિયમો અનુસાર નોકરી છોડવાના 60 દિવસની અંદર આ વીઝાધારકોએ તેમના પરિવાર સાથે અમેરિકા છોડવું જરૂરી છે. કોરોના વાઈરસ મહામારીને પગલે અમેરિકન અર્થવ્યવસ્થાના જૂદા જૂદા ક્ષેત્રોમાં મોટા પ્રમાણ પર છટણીની આશંકા છે અને આવનારા મહિનામાં સ્થિતિ વધુ વણસી શકે છે. અમેરિકામાં 21 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન 33 લાખ અમેરિકનોએ પ્રારંભિક બેરોજગારીનો દાવો કર્યો છે. દેશમાં લાખો લોકો તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે.

એક અનુમાન અનુસાર લગભગ 4.7 કરોડ લોકો બેરોજગાર થઈ શકે છે. આ એચ-1બી વીઝાધારકો ન તો બેરોજગારીનો લાભ મેળવવા પાત્ર છે કે ન તો સામાજિક સુરક્ષા લાભના હકદાર. પ્રાથમિક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં એચ-1બી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. તો કેટલાક કર્મચારીઓને અગાઉથી જ આ અંગે ચેતવી દેવામાં આવ્યા હતા કે તેમની નોકરી જઈ શકે છે.

આ સ્થિતિમાં એચ-1બી વીઝાધારકોએ નોકરી છોડયા પછી અમેરિકામાં તેમના પ્રવાસના સમયને વધારવા માટે વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર એક અરજી અભિયાન શરુ કર્યું છે. અરજીમાં સરકાર પાસે અસ્થાયી પ્રવાસની અવધિને 60 દિવસથી વધારીને 180 દિવસ કરવા અને આ વિપરીત સમયમાં એચ-1બી કર્માચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે, વ્હાઈટ હાઉસની પ્રતિક્રિયા મેળવવા માટે ઓછામાં ઓછી એક લાખ અરજીઓની જરૂર હોય છે.