સેન સાલ્વાડોરઃ એલ સાલ્વાડોર દેશના સમુદ્રકાંઠા નજીક પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં મંગળવારે 6.5ની તીવ્રતાના ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો. એને કારણે નિકારાગુઆથી લઈને ગ્વાટેમાલા સુધી મધ્ય અમેરિકાના ઘણા ખરા ભાગો હચમચી ગયા હતા અને કેટલાક શહેરોમાં લોકો ગભરાટના માર્યા એમના ઘરો અને મકાનોમાંથી રસ્તાઓ પર દોડી ગયા હતા.
યૂએસ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, દરિયાઈ ભૂકંપનું કેન્દ્રબિંદુ એલ સાલ્વાડોરના ઈન્તીપુકા શહેરની દક્ષિણ બાજુએ જમીનથી 70 કિલોમીટર ઊંડે હોવાનું માલુમ પડ્યું હતું. આ સ્થળ ફોન્સેકા અખાતની બહાર આવેલું છે જેને હોન્ડુરાસ, એલ સાલ્વાડોર અને નિકારાગુઆ દેશોના સમુદ્રકાંઠા છે. ભૂકંપનો આંચકો લાગ્યા બાદ એલ સાલ્વાડોરના પાટનગર શહેર સેન સાલ્વાડોરમાં રહેવાસીઓ ગભરાઈને રસ્તાઓ પર દોડી ગયા હતા. ભૂકંપને કારણે ક્યાંય કોઈ પ્રકારનું નુકસાન થયાના કે કોઈને ઈજા થયાના અહેવાલો નથી. સેન સાલ્વાડોરના સંસદભવનમાં પણ સભ્યો ગભરાઈને એમની ડેસ્ક છોડીને મકાનની બહાર દોડી ગયા હતા.
નિકારાગુઆના પાટનગર માનાગુઆમાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ કર્યો હતો. પેસિફિક મહાસાગરનો સમગ્ર કાંઠાવિસ્તાર ભૂકંપના આ આંચકાથી હચમચી ગયો હતો.