નવી દિલ્હીઃ વિશ્વભરમાં કેટલાય દેશો પર્યાવરણ અસંતુલન અને જળવાયુપરિવર્તનનો સામનો કરી રહ્યા છે. એન્વાયર્નમેન્ટ રિસ્ક આઉટલૂક 2021 રિપોર્ટમાં આ વાત સામે આવી છે. એન્વાયર્નમેન્ટ રિસ્ક આઉટલુક 2021 રિપોર્ટ અનુસાર એશિયાના 100માંથી 99 શહેર પર્યાવરણનાં વિવિધ જોખમોથી ઝઝૂમી રહ્યાં છે. પર્યાવરણના જોખમનો સામનો કરી રહેલા 100 શહેરોમાં 43 ભારતનાં છે અને 37 ચીનનાં છે.
એનવાયર્નમેન્ટ રિસ્ક આઉટલૂક 2021ના રિપોર્ટ અનુસાર દિલ્હી આ યાદીમાં બીજા ક્રમાંકે છે તો ચેન્નઈ ત્રીજા ક્રમે છે. આગ્રા આ યાદીમાં છઠ્ઠા સ્થાને અને કાનપુર દસમા સ્થાને છે. જયપુર 22મા લખનઉ 24મા, બેંગલુરુ 25 અને મુંબઈ 27મા સ્થાને છે. શહેરોમાં પ્રદૂષણ પર્યાવરણના જોખમનું સૌથી મોટું કારણ છે.
દેશમાં થનારું દરેક પાંચમું મોત વાયુ પ્રદૂષણને કારણે થાય છે. એને લીધે ભારતીય અર્થતંત્રને આશરે રૂ. 2,64,864 કરોડનું નુકસાન થયું. જળ પ્રદૂષણને કારણે 4,00,000 લોકોના જીવ ગયા હતા. આરોગ્ય પર આશરે 66,217 કરોડનો ખર્ચ થયો. પર્યાવરણનાં જોખમનો સામનોકરી રહેલા ટોચનાં 20 શહેરોમાં બે પાકિસ્તાનના છે. આ યાદીમાં 12મા સ્થાને કરાંચી અને 15મા સ્થાને લાહોર છે. વિશ્વનાં 20 સૌથી ઓછાં સંકટગ્રસ્ત શહેરોમાંથી 14 એકલા યુરોપમાં છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનના આ યાદીમાં સમાવિષ્ટ શહેરોમાં આશરે 33.6 કરોડ લોકો રહે છે, જેમાં 28.6 કરોડ લોકો જોખમમાં છે. જળવાયુ પરિવર્તન અને મોસમની અનિયમિતતાની ઘટનાઓમાં આફ્રિકાના શહેર સૌથી વધુ જોખમમાં છે.