બાળકોનું રસીકરણ અમારી પ્રાથમિકતા નથીઃ WHO

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ટોચના રસી-નિષ્ણાતોએ કહ્યું છે કે વિશ્વ સ્તરે રસીઓનો પુરવઠો અત્યંત મર્યાદિત હોવાને કારણે બાળકોને કોરોના-પ્રતિરોધક રસી આપવી અમારી ઉચ્ચ પ્રાથમિકતા નથી.

ડો. કેટ ઓબ્રાયને કહ્યું છે કે વધુ ને વધુ સમૃદ્ધ દેશોમાં સગીર વયનાં તથા નાનાં બાળકોને કોવિડ-19 પ્રતિરોધક રસીનાં ડોઝ આપવામાં આવી રહ્યા છે તે છતાં બાળકોનું રસીકરણ કરવું એ WHOની પ્રાથમિકતા નથી. કોવિડ-19થી અત્યંત ગંભીર રીતે બીમાર પડવાનું કે મૃત્યુ પામવાનું બાળકો માટે એટલું જોખમ નથી. હાલના રોગચાળા દરમિયાન બાળકોને રસી આપવા પાછળનો હેતુ એમને રોગ સામે રક્ષણ આપવાને બદલે મોટે ભાગે ચેપને રોકવાનો છે.