ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સિટીના બ્રુકલિન ઉપનગરની એક લોકલ સબવે ટ્રેનમાં સ્મોક બોમ્બ વડે વિસ્ફોટ કરનાર અને ગોળીબાર કરીને ઓછામાં ઓછા 29 જણને ઘાયલ કરવાની મંગળવારે સ્થાનિક સમય મુજબ સવારે બનેલી ઘટનાએ અમેરિકાને હચમચાવી મૂક્યું છે. પોલીસે શંકાસ્પદ હુમલાખોરને ઓળખી કાઢ્યો છે. એનું નામ છે ફ્રેન્ક જેમ્સ. એ 62 વર્ષનો છે અને માનસિક રીતે અસ્થિર હોવાનું મનાય છે. પોલીસે એની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે એને ‘પર્સન ઓફ ઈન્ટરેસ્ટ’ (શંકાસ્પદ ગુનેગાર) તરીકે ઘોષિત કર્યો છે અને એની તસવીર રિલીઝ કરી છે. એને પકડવા માટે પોલીસે 50,000 ડોલરના ઈનામની જાહેરાત કરી છે. જેમ્સે બ્રુકલિન સ્ટેશન પર ફિલ્મી સ્ટાઈલમાં ગોળીબાર કર્યો હતો. એણે 33 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ન્યૂયોર્ક પોલીસ વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું છે કે આ છે ફ્રેન્ક જેમ્સ. મંગળવારે સવારે બ્રુકલિનમાં N-ટ્રેનમાં બનેલા ગોળીબારના બનાવમાં આ પર્સન ઓફ ઈન્ટરેસ્ટ છે. આના ઠેકાણા વિશે જે કોઈને જાણકારી હોય તો @NYPDTips at 1-800-577-TIPS કોલ કરીને જણાવે. ફ્રેન્ક જેમ્સે જ ગોળીબાર કર્યો હતો કે કેમ એ વિશે હજી પોલીસ સ્પષ્ટ નથી. તેને એની પર શંકા છે. પોલીસે કહ્યું કે ભૂગર્ભ મેટ્રો ટ્રેન બ્રુકલિન સ્ટેશનમાં પ્રવેશી રહી હતી ત્યારે હુમલાખોરે ટ્રેનમાં ગોળીબાર કર્યો હતો અને ટ્રેન ઊભી રહ્યા બાદ પલાયન થઈ ગયો હતો. એણે ચહેરા પર ગેસ માસ્ક પહેર્યો હતો અને બાંધકામ કામદારના વસ્ત્રોમાં સજ્જ હતો. ફિલાડેલ્ફિયા અને વિસ્કોન્સિનમાં ફ્રેન્ક જેમ્સના સરનામા મળી આવ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફ્રેન્ક જેમ્સે ફિલાડેલ્ફિયામાં એક U-Haul (મૂવિંગ ટ્રક કે વેન) ભાડા પર લીધી હતી અને તે દ્વારા બ્રુકલિન આવ્યો હતો. પોલીસને તે U-Haul વાહન ગોળીબારના સ્થળથી પાંચ માઈલ દૂરના સ્થળે મળી આવ્યું હતું. ન્યૂયોર્કના પોલીસ કમિશનરે કહ્યું કે તે U-Haulની ચાવી મેટ્રો ટ્રેન પાસે ઘટનાસ્થળે મળી આવી હતી. ઘટનાસ્થળેથી 9mmની એક સેમી-ઓટોમેટિક હેન્ડગન પણ મળી આવી છે તેમજ છોડવામાં આવેલી કારતૂસો પણ મળી આવી છે. ફ્રેન્ક જેમ્સે પોતે ન્યૂયોર્ક સિટીમાં બેઘર હોવાની સોશિયલ મિડિયા પર એક પોસ્ટ મૂકી હતી. એણે શહેરના મેયર એરિક એડમ્સને ધમકી પણ આપી હતી. તે પછી એડમ્સની સુરક્ષા વધારે મજબૂત બનાવી દેવામાં આવી હતી.