બ્રુકલિન-સબવે ગોળીબારનો આરોપી પકડાયો; રીઢો ગુનેગાર છે

ન્યૂયોર્ક સિટીઃ ગયા મંગળવારે સવારે ધસારાના સમયે આશરે 8.30 વાગ્યે ન્યૂયોર્ક સિટી શહેરના બ્રુકલિન ઉપનગરમાં ‘N’ લાઈન ભૂગર્ભ મેટ્રો રેલવેની એક ટ્રેનમાં 36-સ્ટ્રીટ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એક ડબ્બામાં બે સ્મોક બોમ્બ ફોડવા અને પ્રવાસીઓ પર હેન્ડગનમાંથી ગોળીબાર કરવાની ઘટનામાં આરોપી જાહેર કરાયેલા 62 વર્ષીય ફ્રેન્ક જેમ્સની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના 30 કલાક બાદ ફ્રેન્કને પકડવામાં પોલીસ સફળ થઈ છે. પોલીસે એની સામે ત્રાસવાદનો ગુનો નોંધ્યો છે. ગોળીબારની ઘટના અને તેને કારણે થયેલી નાસભાગમાં 29 જણ ઘાયલ થયા હતા. એમાંના 10 જણની ઈજા ગંભીર પ્રકારની છે.

ન્યૂયોર્ક પોલીસે ફ્રેન્ક જેમ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને પકડવામાં મદદરૂપ થાય એવી માહિતી પૂરી પાડવા માટે 50,000 ડોલર (રૂ. 38 લાખ)નું ઈનામ જાહેર કર્યું હતું. ન્યૂયોર્ક પોલીસને મંગળવારે સવારે હત્યાકાંડ થયા બાદ બ્રુકલિનમાં એક લાવારિસ અને ખાલી યૂ-હોલ (મૂવિંગ ટ્રક કે વેન) મળી આવી હતી. તેની વિગત અને લાઈસન્સ પ્લેટના નંબર સબવે સ્ટેશનમાં ગોળીબારની ઘટનાના આરોપીની વિગત સાથે બંધબેસતી જણાઈ હતી. હુમલાખોર જેમ્સ ગેસ માસ્ક પહેરીને ટ્રેનમાં ઘૂસ્યો હતો. એણે બે સ્મોક બોમ્બ ફોડ્યા બાદ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. એને કારણે સ્ટેશન પર અફડાતફડી મચી ગઈ હતી. લોકો જાન બચાવવા અહીંતહીં ભાગતા જોવા મળ્યા હતા. ટ્રેનના તે ડબ્બામાંથી ધૂમાડો નીકળતો જોવા મળ્યો હતો. ફ્રેન્ક જેમ્સ રીઢો ગુનેગાર છે. ગુનેગાર તરીકે એનો લાંબો ઈતિહાસ છે. ભૂતકાળમાં પોલીસ અનેક વાર એની ધરપકડ કરી ચૂકી છે.