સિંગાપોરમાં કાયદો તોડીને ફટાકડા ફોડનાર બે ભારતીયની ધરપકડ; બે વર્ષની જેલ થઈ શકે છે

સિંગાપોર – ભારતમાં તેમજ દુનિયાના અનેક દેશોમાં વસતા ભારતીયો હાલ રોશનીનો તહેવાર દિવાળી ઉજવી રહ્યાં છે ત્યારે સિંગાપોરના ‘લિટલ ઈન્ડિયા’ વિસ્તારમાં ભારતીય મૂળના બે જણને બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. એ બંને પર આરોપ છે કે એમણે સત્તાવાળાઓની પરવાનગી લીધા વગર ફટાકડા ફોડ્યા હતા અને ગેરકાયદેસર કામ કર્યું હતું.

થિયાગુ સેલ્વરાજુ (29)એ જોખમી ફટાકડા ફોડ્યા હતા અને શિવકુમાર સુબ્રમણ્યમ (48) નામના અન્ય મૂળ ભારતીય નાગરિકે એને તેમ કરવા પ્રોત્સાહિત કર્યો હતો. આ બંનેને સ્થાનિક કોર્ટ બે હજારથી લઈને 10 હજાર સિંગાપોર ડોલરનો દંડ પણ ફટકારે એવી શક્યતા છે.

 

સિંગાપોરમાં સત્તાવાળાઓની પરવાનગી મેળવ્યા વિના ફટાકડા ફોડવા ગેરકાયદેસર ગણાય છે. પોલીસે કોર્ટમાં દાવો કર્યો છે કે શિવકુમારે ગયા સોમવારની મધરાતે ગ્લુસ્ટર રોડ પર એક રોડ ડિવાઈડર પર ફટાકડાથી ભરેલું એક બોક્સ મૂક્યું હતું અને થિયાગુએ એને પેટાવ્યું હતું અને ફટાકડો ફૂટ્યો હતો.

આ બંને આરોપીએ ફટાકડા ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા હતા એ હજી સુધી પાકું થયું નથી.

બંનેની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

બંને જણને ફટાકડા ફોડતા દર્શાવતો એક વિડિયો સિંગાપોરમાં સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. આ વિડિયો ફેસબુક ગ્રુપ SG Road Vigilante દ્વારા મંગળવારે બપોરે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

બંને ભારતીય-સિંગાપોર નાગરિકને રીમાન્ડ પર લેવામાં આવ્યા છે અને 14 નવેમ્બરે એમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે.