નવી દિલ્હીઃ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે પ્રતિ મિનિટ 13 લોકોનાં મોત થઈ રહ્યાં છે. જો આવનારા સમયમાં લોકો સમયસર નહીં ચેતે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP26)ની આગેવાનીમાં શરૂ થયેલી બેઠકમાં WHOએ સ્પેશિયલ રિપોર્ટ જારી કરતાં ચેતવણી જારી કરી છે. વિશ્વમાં વાયુ પ્રદૂષણને લીધે થનારાં મોતોને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ રિપોર્ટ જારી કર્યો છે, જે ચોંકાવનારો છે.
ગ્લોબલ વોર્મિંગને કારણે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાના આહવાન સાથે WHOના ડિરેક્ટર ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે કોરોના રોગચાળાએ મનુષ્યો, પ્રાણીઓ અને આપણા પર્યાવરણની વચ્ચે ઘનિષ્ઠ અને નાજુક સંબંધો પર પ્રકાશ ફેંક્યો છે. તેમણે કહ્યું હતું કે WHO બધા દેશોને ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવા માટે COP26 પર નિર્ણાયક કાર્યવાહી કરવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એ આપણા હિતમાં છે.
WHOએ રિપોર્ટને એક ખુલ્લા પત્રમાં રજૂ કર્યો હતો, જેના પર વૈશ્વિક આરોગ્ય વર્કફોર્સના બે-તૃતીયાંશથી વધુ અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિશ્વમાં કમસે કમ સાડાચાર કરોડ ડોક્ટરો અને આરોગ્ય વ્યાવસાયિકોનું પ્રતિનિધિત્વ કરતી 300 સંસ્થાઓ, રાષ્ટ્રીય નેતાઓ અને COP26 દેશના પ્રતિનિધિ મંડળોને વાયુ પ્રદૂષણની અસર ઓછી કરવા પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું.
રિપોર્ટ કહે છે કે બળતણ (લાકડાં, કચરો, છાણાં વગેરે) બાળવાથી લોકોના જીવ જઈ રહ્યા છે. જળવાયુ પરિવર્તન માનવતાની સામે સૌથી ઓટું આરોગ્યનું જોખમ છે, એમ રિપોર્ટ કહે છે.
