મોસ્કોઃ રશિયામાં ખાનગી લશ્કરી જૂથ વેગનરના વડા યેવગેની પ્રિગોઝીને દેશના વડા વ્લાદિમીર પુતિન સામે બળવો પોકાર્યો છે. આને કારણે સામ્યવાદી રશિયામાં આંતરવિગ્રહ શરૂ થયો છે. જોકે પુતિને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે રશિયા આજે તેના ભવિષ્ય માટે આકરી લડાઈ લડી રહ્યું છે. વેગનરે અમારી પીઠમાં છરો ભોંક્યો છે. અમે તેના બળવાને કચડી નાખીશું.
પ્રિગોઝીને એવી જાહેરાત કરી છે કે પોતે રશિયાના રોસ્તોવ-ઓન-દોનમાં રશિયાની સેનાના મુખ્યાલયમાં પહોંચી ગયા છે. એમના યોદ્ધાઓએ શહેરના લશ્કરી સ્થળોનો કબજો લઈ લીધો છે. પ્રિગોઝીને તે પહેલાં કહ્યું હતું કે એમના દળના જવાનો યૂક્રેન સાથેના યુદ્ધ મોરચેથી રશિયામાં પાછા આવી ગયા છે. તેમણે એવો નિશ્ચય વ્યક્ત કર્યો હતો કે તેઓ રશિયાના લશ્કરી વડાને દૂર કરી દેશે.
રશિયન સત્તાવાળાઓએ એનો ત્વરિત પ્રતિસાદ આપીને પ્રિગોઝીન સામેનો એક ક્રિમિનલ કેસ ફરી ખોલ્યો હતો, જેમાં એમની પર આરોપ છે કે એમણે સશસ્ત્ર બળવો ભડકાવ્યો છે.