યૂટ્યૂબર ‘Mr Beast’ના બે કરોડ બચી ગયા, જાન પણ બચી ગયો

ન્યૂયોર્કઃ એક સદીથી પણ વધુ સમય પૂર્વે એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા વૈભવશાળી ટાઈટેનિક જહાજનો ભંગાર નિહાળવા માટે મોંઘેરા ગ્રાહકોને લઈને ગયેલી ટાઈટન સબમરીન ડૂબી જવાની ઘટનાએ દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. તે દુર્ઘટનામાં પાંચ જણના મૃત્યુ થયા છે અને ટ્રિપનું આયોજન કરનાર ઓસનગેટ કંપની બદનામ થઈ ગઈ છે, કે એણે યોગ્ય પરીક્ષણો કર્યા વગર ટ્રિપનું આયોજન કર્યું હતું. હવે યૂટ્યૂબ ચેનલ પર જાણીતા થયેલા એક જણે એવો દાવો કર્યો છે કે એને પણ ટાઈટન સબમરીન પ્રવાસે જવાનું આમંત્રણ મળ્યું હતું.

‘Mr Beast’ તરીકે જાણીતા જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસને એમના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ટાઈટન સબમરીન વિસ્ફોટને કારણે ડૂબી ગઈ એના અમુક જ દિવસો પહેલાં એમને પણ તે યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. ‘Mr Beast’ દુનિયાના સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવનાર વ્યક્તિગત યૂટ્યૂબર છે. અમેરિકામાં તેઓ સૌથી ધનવાન સોશિયલ મિડિયા સ્ટાર છે.

એમણે કહ્યું છે કે, ઓસનગેટ કંપની દ્વારા આયોજિત ટાઈટન સબમરીન યાત્રા પર જવાનું એમને પણ જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોતે તે ઓફર નકારી કાઢી હતી. ‘ટાઈટેનિક સબમરીનની યાત્રામાં જોડાવાનું મને આ મહિનાના આરંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી હતી. મને તો એ વિચાર આવતાં જ કંપારી છૂટે છે કે હું પણ એમાં હોત.’ આ લખાણ સાથે ‘Mr Beast’ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ એમને ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા  માટેની યાત્રા પર લઈ જવાની તેમને ઓફર કરે છે.

આ કરોડોપતિ ટ્યૂબરે એમના ફોન પરની એક ટેક્સ્ટ શેર કરી છે, જેમાં આમ વંચાય છેઃ હું પણ આ મહિનાના અંતમાં એક સબમરીનમાં બેસીને ટાઈટેનિક ખાતે જવાનો છું. તમે પણ સાથે આવશો તો ટીમ ઉત્સાહિત થશે.

ઉલ્લેખનીય છે કે ઓસનગેટ કંપની દ્વારા સબમરીન ટ્રિપ માટે વ્યક્તિ દીઠ ટિકિટ માટે અઢી લાખ યૂએસ ડોલર લેવામાં આવ્યા હતા, જે કિંમત રૂ. બે કરોડ જેટલી થાય. ‘મિસ્ટર બીસ્ટ’ને તો એટલી રકમની ટિકિટ ખરીદવી પોષાય એમ હતી, કારણ કે તેઓ 10 કરોડ 50 લાખ ડોલર (રૂ. 860 કરોડ)ની સંપત્તિના માલિક છે.

ડૂબી ગયેલી ટાઈટન સબમરીનમાં માર્યા ગયેલાઓના નામ છેઃ બ્રિટિશ ઉદ્યોગપતિ હેમિશ હાર્ડિંગ, પાકિસ્તાની ઈન્વેસ્ટર શાહઝાદા દાઉદ અને એમનો પુત્ર સુલેમાન, ફ્રેન્ચ ડાઈવર અને ટાઈટેનિક એક્સપર્ટ પૌલ-હેન્રી નાર્ગોલેટ અને ઓસનગેટના સીઈઓ સ્ટોકટન રશ.