બેંગલુરુઃ બેંગલુરુના ટેક્નિકલ કર્મચારીઓ દ્વારા અમેરિકન નાગરિકોને ઠગવાના મામલે આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત ગેંગનો મોટો ખુલાસો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ ઓગસ્ટથી અત્યાર સુધી ઓછામાં ઓછા 150 પીડિતોને નિશાન બનાવ્યા અને દરેક પાસેથી સરેરાશ 10,000 ડોલર (કુલ 13.5 કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરી હતી.
ગયા મહિને પોલીસે વ્હાઇટફિલ્ડ સ્થિત મસ્ક કમ્યુનિકેશન્સ પર દરોડો પાડ્યો હતો અને 21 લોકોની ધરપકડ કરી હતી. આ ગેંગ પોતાને Microsoftના ટેક્નિકલ સપોર્ટ સ્ટાફ તરીકે ઓળખાવતી હતી અને ખોટા ‘Federal Trade Commission (FTC)’ ઉલ્લંઘન બતાવીને પીડિતો પાસેથી રૂપિયા ઉઘરાવતી હતીં. આ ઉપરાંત પોલીસે અમદાવાદથી રવિ ચૌહાણ નામની વ્યક્તિને પણ ધરપકડ કરી છે, જેમણે બેંગલુરુમાં લગભગ 85 કર્મચારીઓની ભરતી કરાવી હતી.
એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ પીડિતોને Bitcoin ATMમાં પૈસા જમા કરાવવા કહેતા હતા. (બિટકોઇન ATM એ એવું કિયોસ્ક છે, જેઓ બિટકોઇન નેટવર્ક સાથે જોડાયેલા હોય છે અને ક્રિપ્ટોકરન્સી લેવડદેવડ માટે વપરાય છે). અધિકારીએ જણાવ્યું હતું કે અમે પીડિત ગ્રાહકોની બેંક વિગતો એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે અમેરિકા અને બ્રિટનના ઓછામાં ઓછા 150 પીડિતોએ અલગ-અલગ બિટકોઇન માટે ATMમાં આશરે 10,000 ડોલર જમા કરાવ્યા હતા.
એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેંગના ત્રણ માસ્ટરમાઈન્ડ હજી પણ ફરાર છે. તેઓ 2022થી બ્રિટન અને અમેરિકામાં પીડિતોને નિશાન બનાવી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મસ્ક કમ્યુનિકેશન્સે આ વર્ષે ઓગસ્ટમાં 4500 ચોરસ ફૂટનું વિશાળ ઓફિસ 5 લાખ રૂપિયા મહિનાના ભાડે લીધી હતી. આ ગેંગ ખાસ કરીને અમેરિકન યુઝર્સને નિશાન બનાવીને ફેસબુક પર ખોટા અને જોખમકારક જાહેરાતો ચલાવતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે કંપનીમાં કુલ 83 કર્મચારીઓ હતા, જેમાંથી આશરે 21 ટેક્નિકલ કર્મચારીઓને આ છેતરપિંડીની જાણ હતી. તેમને મહિને 15,000 થી 25,000 રૂપિયા પગાર આપવામાં આવતા હતા.


