અમદાવાદ: શહેરમાં છેલ્લા 72 કલાકમાં આરોપીઓ ભાગી જવાની બે ઘટના પ્રકાશમાં આવી હતી. કોર્ટમાંથી ભાગેલો એક આરોપી માંડ ઝોન-2 એલસીબીએ પકડ્યો હતો. ત્યાં કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઇ ગયો હતો. હવે સાબરમતી ઓપન જેલમાંથી પણ કેદી ફરાર થઈ ગયો છે. વર્ષ 2015માં હત્યા કરનાર આરોપીને વર્ષ 2017થી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારથી આ કેદીને ઓપન જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તે બીમાર હોવાથી દવાખાને મોકલતાં કેદી ફરાર થઈ ગયો છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલરે ફરિયાદ નોંધાવી છે.અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલના જેલર બાબુભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, 10 જાન્યુઆરીએ તે જેલર ગ્રૂપ 2 તરીકે ઓપન જેલ ખાતે ફરજ બજાવતા હતા. ઓપન જેલમાં કામ કરતા પાકા કામના કેદી નં-15502 મનુજી ઠાકોરને હત્યાના ગુનામાં વર્ષ 2017માં આજીવન કેદની સજા થઈ હતી. પાકા કામના કેદી મનુજીને ઓપન જેલમાં રખાયો હતો. 10 જાન્યુઆરીએ મનુજી સુંડાજી ઠાકોર બીમાર હતો. બપોરે ફરજ પરના સિપાઈએ તેને જેલની બહારના ભાગે આવેલા જેલ દવાખાનામાં સારવાર માટે મોકલવા જણાવ્યું હતું. ત્યાર બાદ ઓપન જેલમાં ગણતરી કરાતા 14 કેદીમાંથી મનુજી ઠાકોર હાજર ન હતો. સ્ટાફના કર્મચારીઓને સાથે રાખી જેલની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરાઈ હતી, પરંતુ તે મળ્યો ન હતો.