ટાટા ગ્રુપ બાદ ઇન્ફોસિસ સૌથી આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ્સ

બેંગલુરુઃ ટાટા ગ્રુપ દેશની સૌથી આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઊભરી આવ્યું છે એમ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (REBR)2025નાં તારણોમાં બહાર આવ્યું છે. દર વર્ષે વિશ્વભરમાં હાથ ધરવામાં આવતો આ સૌથી વ્યાપક, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકનું એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ છે.

ટાટા ગ્રુપે નાણાકીય સ્થિતિ, કારકિર્દીમાં પ્રગતિની તકો અને પ્રતિષ્ઠાની બાબતે ખૂબ જ ઊંચો સ્કોર મેળવ્યો હતો. આ સર્વે મુજબ સંસ્થા માટે આ ટોચના 3 એમ્પ્લોયી વેલ્યુ પ્રપોઝિશન (EVP) ચાલકબળો છે જેણે બ્રાન્ડને વિજેતા બનવામાં મદદ કરી હતી. ગૂગલ ઈન્ડિયા આ વર્ષે રેન્કિંગમાં આગળ વધીને રનર અપ તરીકે ઊભરી આવી હતી અને તેના પછી ઇન્ફોસિસે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષના રિપોર્ટના તારણોની બીજી મુખ્ય ખાસિયતો એ વાસ્તવિકતા છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચની 10 એમ્પ્લોયર બ્રાન્ડ્સના લિસ્ટમાં પ્રવેશી છે, જે જાહેર ક્ષેત્રની એકમાત્ર ભારતીય બહુરાષ્ટ્રીય બેંક છે.

 દેશમાં 3500થી વધુ ઉત્તરદાતાઓ સહિતનાં 34 બજારોમાં 1,70,000થી વધુ ઉત્તરદાતાઓથી મળેલી આંતરદ્રષ્ટિને આધારે અભ્યાસમાં જણાવાયું છે કે આજની પ્રતિભા માત્ર પગારના ચેક સિવાય પણ બીજી બાબતોની અપેક્ષા રાખે છે. ભારતમાં પ્રતિભાઓ પ્રતિષ્ઠા, નાણાકીય સ્થિતિ અને ઇક્વિટી જેવાં પરિબળો પર તેમની હાલની કંપનીઓને ઊંચો રેન્ક આપે છે.

2025 માટે ભારતમાં સૌથી આકર્ષક ટોચની 10 એમ્પ્લોયર બ્રાન્ડ્સઃ

આ વર્ષે ટોચની 10 સૌથી આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ્સ વિવિધ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે જે નીચે મુજબ છે.

  1. ટાટા ગ્રુપ
  2. ગૂગલ ઈન્ડિયા
  3. ઈન્ફોસિસ
  4. સેમસંગ ઈન્ડિયા
  5. જેપીમોર્ગનચેઝ
  6. આઈબીએમ
  7. વિપ્રો
  8. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
  9. ડેલ ટેક્નોલોજીસ લિમિટેડ
  10. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

REBR 2025ની આંતરદ્રષ્ટિ રજૂ કરતાં ટેલેન્ટ કંપની રેન્ડસ્ટેડ ઈન્ડિયાના MD અને CEO વિશ્વનાથ પીએસએ જણાવ્યું હતું કે રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ ઝડપથી વિકસી રહેલા ટેલેન્ટ ક્ષેત્રની ખોજ કરી રહેલી કંપનીઓ માટે એક આવશ્યક માર્ગદર્શિકા બની રહે છે. 2025નાં તારણો સ્પષ્ટ પરિવર્તન દર્શાવે છે કે આજના કર્મચારીઓ હવે પરંપરાગત નોકરીઓથી સંતુષ્ટ નથી.તેઓ સમાનતા, હેતુ, અર્થપૂર્ણ વૃદ્ધિ અને વર્ક-લાઇફ વચ્ચેની સંવાદિતા શોધી રહ્યા છે.

મારું માનવું છે કે REBR 2025 રિપોર્ટ એવા દરેક એમ્પ્લોયર માટે વ્યૂહાત્મક દિશાસૂચક બની રહેશે જેઓ વાસ્તવિક રીતે પ્રતિભાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.