ઘૂસણખોરો વિપક્ષની મતબેન્ક છે, એટલે SIRનો વિરોધઃ શાહ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે બિહારમાં મતદાર યાદીની ખાસ ગહન પુનરીક્ષણ (SIR)નો વિરોધ કરવા બદલ વિરોધી પક્ષોને આડે હાથ લીધા હતા અને તેમના પર મતબેંકના રાજકારણમાં જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. શાહે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો SIRનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે, કારણ કે ઘૂસણખોરો તેમની મતબેંકનો ભાગ છે.

આ પ્રક્રિયા પહેલી વાર થઈ રહી નથી, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેની શરૂઆત કરી હતી. એક સભાને સંબોધતાં શાહે કહ્યું હતું  કે બિહારમાં ચૂંટણી થવાની છે. મારા અહીં આવતાં પહેલાં અખબારોમાં આ પ્રશ્નથી પાનાં ભરાયેલાં હતાં કે SIR થવો જોઈએ કે નહીં.

હું ભાજપનો કાર્યકર છું, પરંતુ હું લોકોને પૂછવા માગું છું કે શું આપણે મતદાર યાદીમાંથી આપ્રવાસીઓને દૂર ન કરવા જોઈએ?  લાલુ પ્રસાદ યાદવ કોને બચાવવા માગે છે? શું તમે તે બાંગ્લાદેશીઓને બચાવવા માગો છો, જે બહારથી આવે છે અને બિહારના લોકોની નોકરી છીનવી લે છે?

રાહુલ ગાંધીએ મતબેંકનું રાજકારણ બંધ કરવું જોઈએ અને તેઓ તેનાં માટે કારણો શોધી રહ્યાં છે, કારણ કે તેઓ બિહાર ચૂંટણી હારી જશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ઘૂસણખોરોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવા જોઈએ કે નહીં? ભારતનું બંધારણ તે લોકોને મત આપવાનો હક આપતું નથી, જે ભારતમાં જન્મેલા નથી. રાહુલ ગાંધી બંધારણ લઈને ફરી રહ્યા છે, તેમણે પણ તેને ખોલીને વાંચવું જોઈએ. તેઓ SIRનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઘૂસણખોરો તેમની મતબેંક છે, એમ તેમણે કહ્યું હતું.