અમેરિકા કરતાં 4 ગણો, ચીન કરતાં 10 ગણો સોનાનો ખજાનો ભારતનાં ઘરોમાં

નવી દિલ્હી: અમેરિકા-ઇરાન અને રશિયા-યુક્રેન જેવા મુદ્દાઓને કારણે વિશ્વમાં ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે સોનું અને ચાંદીના ભાવ લાંબા સમયથી વધતા રહ્યા છે. ડોલર પ્રભુત્વ ધરાવતા વિશ્વમાં સોનું ખાસ કરીને ભારતીય જીવનનો અભિન્ન ભાગ રહ્યું છે. ભારતીય પરિવારોમાં સોનું અમૂલ્ય વારસો માનવામાં આવે છે, જે પેઢી દર પેઢી આર્થિક સુરક્ષા સાથે ઘરેણાંની પરંપરા આગળ વધારે છે. પરંતુ શું તમને ખબર છે કે 140 કરોડની વસ્તી ધરાવતા ભારતનાં ઘરોમાં કેટલું સોનું છે?

મોર્ગન સ્ટેનલી અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ની રિપોર્ટ મુજબ ભારતીય પરિવારો પાસે અંદાજે 34,600 ટન સોનું સંગ્રહિત છે. આ માત્રા વિશ્વની તમામ સેન્ટ્રલ બેંકો (જેમ કે US Federal Reserve)ના સોનાના ભંડાર કરતાં પણ વધુ છે. આ વિશ્વના કુલ સોનાના ભંડારનો અંદાજે 11 ટકા થી 13 ટકા હિસ્સો છે.

સોનાના ખજાનાની કિંમત

છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં થયેલા તેજ ઉછાળા કારણે ભારતીય પરિવારો પાસે રહેલા સોનાની કિંમત લગભગ 5 ટ્રિલિયન ડોલર (5000 અબજ ડોલર) સુધી પહોંચી ગઈ છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 450 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ થાય છે. ઘરોમાં રહેલું સોનું હવે દેશની કુલ જીડીપી ($4.1 ટ્રિલિયન) કરતાં પણ વધારે મૂલ્ય ધરાવે છે. સોનું-ચાંદીના ભાવ વધતા જોતાં ગોલ્ડ ETFમાં પણ માગ ઝડપથી વધી રહી છે. આ સિવાય દેશનાં દેશનાં સૌથી ધનિક મંદિરોની યાદી

  1. પદ્મનાભસ્વામી મંદિર, કેરળ

આ મંદિર ભારતનું જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. તિરુવનંતપુરમમાં આવેલું શ્રી પદ્મનાભસ્વામી મંદિરની વાસ્તવિક સંપત્તિનો ખુલાસો 2011માં થયો હતો, જ્યારે તેના ગુપ્ત તિજોરીઓ (Vaults) ખોલવામાં આવી હતી. અહીંના પાંચ તિજોરીઓમાંથી અંદાજે 1.2 લાખ કરોડ રૂપિયા (લગભગ 22 અબજ ડોલર)નું સોનું, હીરા અને ઝવેરાત મળ્યાં હતાં. તેમાં સોનાની વિશાળ મૂર્તિઓ, 18 ફૂટ લાંબી સોનાની સાંકળ અને રોમન સામ્રાજ્ય સમયના હજારો સોનાના સિક્કા સામેલ છે. ‘વોલ્ટ B’ હજી પણ બંધ છે, જેમાં વધુ મોટો ખજાનો હોવાની શક્યતા છે.

  1. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ, આંધ્ર પ્રદેશ

ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર ભક્તોની સંખ્યા અને દૈનિક દાનના મામલે અગ્રેસર છે. મંદિર પાસે અંદાજે 10,250 કિલો (10.25 ટન)થી વધુ સોનું બેંકોની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ જમા છે. આ ઉપરાંત અંદાજે 2.5 ટન જેટલાં પ્રાચીન સોનાનાં આભૂષણો પણ છે. મંદિરની કુલ નેટવર્થ અંદાજે 3 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ માનવામાં આવે છે.

  1. વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ

માતા વૈષ્ણો દેવીનું મંદિર પણ અત્યંત પ્રસિદ્ધ છે. વર્ષ 2000થી 2020 દરમિયાન ભક્તોએ અહીં અંદાજે 1800 કિલો સોનું અને 4700 કિલો ચાંદી દાનમાં આપી છે. મંદિર પાસે રોકડ ભંડાર પણ નોંધપાત્ર પ્રમાણમાં છે.