નવી દિલ્હી: કર્ણાટકની ઓગણીસ વર્ષીય નિધિ ગૌતમ એક આખા દિવસ માટે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર બની. ત્યારે એક દિવસ માટે તેણીને એક રાજદ્વારીના જીવનનો પડદા પાછળનો રોલ નજીકથી જોવા મળ્યો, સાથે જ UK-ભારતની ભાગીદારીને કામ કરતા પણ જોવા મળ્યું. નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને 2017 થી દર વર્ષે ‘હાઈ કમિશનર ફોર અ ડે’ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસની સાથે ઉજવાય છે.યુનાઈટેડ કિંગડમ એ છોકરીઓના વિકાસને મહત્વ આપે છે. સાથે જ એક પરિવર્તન નિર્માતા તરીકે ભવિષ્યના નેતાના રૂપમાં છોકરીઓને વધુમાં વધુ પાવર મળે તે માટે પ્રયત્નશીલ છે. મહિલાઓ અને છોકરીઓની સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ યુ. કે. અને સમગ્ર વિશ્વમાં એક યોગ્ય અને સ્માર્ટ બાબત છે. આ બાબત સ્થિતિસ્થાપક અર્થતંત્ર અને મજબૂત, મુક્ત સમાજ બનાવવા માટેનું અભિન્ન અંગ છે.
આ વર્ષની વિજેતાની પસંદગી દેશભરની પ્રતિભાશાળી યુવતીઓની 140થી વધુ અરજીઓમાંથી પસંદ કરવામાં આવી હતી. નિધિ ગૌતમ દિલ્હીના મિરાન્ડા હાઉસમાંથી ઇતિહાસ અને ભૂગોળ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી રહી છે. તે સ્કેચિંગ, વર્ડલ, સાંસ્કૃતિક ડિપ્લોમસી અને વિદેશ નીતિ વિશે સારું એવું જ્ઞાન ધરાવે છે.
બ્રિટિશ હાઈ કમિશનર ફોર ધ ડે નિધિ ગૌતમે, જણાવ્યું હતું કે, “એક દિવસ માટે બ્રિટિશ હાઈ કમિશનર બનવું એ એક પરિવર્તનકારી અનુભવ રહ્યો. જેની મારા પર ઊંડી અસર થઈ છે. સહાયક તકનીકોથી લઈને સૌર ઉર્જા પરની જ્ઞાનાત્મક ચર્ચાઓથી લઈને બાયોટેકનોલોજી અને ‘ફેમટેક’માં ગ્રાઉન્ડ બ્રેકિંગ ડેવલપમેન્ટ્સ સુધીની નોંધપાત્ર પ્રગતિઓનું અન્વેષણ કરવા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.”
ભારતમાં યુકેના ટોચના રાજદ્વારી તરીકે, નિધિના દિવસની શરૂઆત નાસ્તામાં UK-ભારત દ્વિપક્ષીય સંબંધોની વિગતો વિશે માહિતી સાથે થઈ. તેણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હી ખાતે નેશનલ સેન્ટર ફોર અસિસ્ટિવ હેલ્થ ટેક્નોલોજીની મુલાકાત લીધી હતી. ભારતમાં રસીના વિકાસમાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરી રહી છે તે જોવા માટે તેણીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજીની મુલાકાત પણ લીધી, ઉપરાંત દિવસ દરમિયાન સરકાર અને ઉદ્યોગકારો સાથે બેઠકોની શ્રેણી પણ કરી.
