યુદ્ધના સંકટ વચ્ચે LPG ભરેલું નંદા દેવી’ જહાજ ગુજરાત પહોંચ્યું

કચ્છ: ભારતીય ધ્વજવાળું LPG ટેન્કર નંદા દેવી વાડીનાર (જામનગર) બંદરે પહોંચ્યું છે. 46,500 MT LPG સાથેના આ જહાજના કેપ્ટન અને ક્રૂ સાથે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) ના ચેરમેન સુશીલ કુમાર સિંહે વાતચીત કરી હતી.

છેલ્લા કેટલાંક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે આ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ટેન્કરના આગમન સાથે રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં રાહત થશે તેવી આશા હાલ તો રાખી શકાય. આ ટેન્કર કતારથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને રવાના થયું હતું.અગાઉ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી ખુલ્લા સમુદ્રમાં સફળતાપૂર્વક આગળ વધી ગયું છે. તેમણે કહ્યું હતું કે બે ભારતીય ધ્વજવાળા LPG કેરિયર્સ – શિવાલિક અને નંદા દેવી – લગભગ 92,700 મેટ્રિક ટન LPG લઈને ભારત આવી રહ્યા હતા. આ બંને જહાજો રાજ્ય સંચાલિત શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની માલિકીના છે. સરકારી માહિતી મુજબ, પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં 22 ભારતીય ધ્વજવાળા જહાજો હતા, જેમાં કુલ 611 નાવિકો હતા.હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટમાંનો એક છે, જ્યાંથી લગભગ 20 ટકા વૈશ્વિક તેલ અને ગેસ નિકાસ તેમાંથી પસાર થાય છે. આ ક્ષેત્રમાં તણાવ ચાલુ હોવાથી, અધિકારીઓ જહાજોની ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને આ વિસ્તારમાં કાર્યરત ભારતીય જહાજો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે.